કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની ઘટના બની, જાણો શું થયું

રાજકોટ, 30 ડિસેમ્બર : ગોંડલના મોટા મહિકા ગામે બે દિવસ પુર્વે  રાજકોટના પ્રૌઢની અર્ધબળેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવમાં પોલીસ તપાસમાં આ લાશ રાજકોટના પ્રૌઢની નહિ પણ તેના પાડોશીની હોવાની અને રાજકોટના પ્રૌઢે વિમો પકવવા માટે ખુની ખેલ ખેલી ખોફનાક કાવત્રુ રચી પડોશીને મોતને ઘાટ ઉતારી દીધાનું ઘટસ્‍ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. રૂરલ એલસીબી અને ગોંડલ તાલુકા પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપતી આ ઘટના ઉપરથી ફોરેન્સિક પીએમ રિપોર્ટના આધારે પડદો ઊંચક્યો છે.

મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાનાં મોટા મહીકા ગામે ખંઢેર બનેલા રહેણાંક મકાનમાંથી બે દિ’ પુર્વે અર્ધ સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવતા તાલુકા પોલીસ તથા એલસીબી મોટા મહીકા દોડી ગઇ હતી અને બનાવ શંકાસ્‍પદ હોય મૃતદેહને ફોરેન્‍સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો અને મૃતકની ભાડ મેળવતા પુછપરછ શરૂ કરતાં ગ્રામજનોનાં કહેવા મુજબ મૃતક રાજકોટમાં મોરબી રોડ ઉપર સદગુરૂ સોસાયટીમાં રહેતાં હસમુખભાઈ મુળશંકર વ્‍યાસ (ઉ.૪૬) હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેના બે લગ્ન થયા છે અને તે હાલ બીજી પત્ની સાથે પોતાના આગલા ઘરના બે સંતાનો સાથે રહે છે. તેનું મૂળ વતન મોટા મહિકા ગામ હોય ત્યાં તેના માતાના મઢે અવારનવાર આવતા હતા. બે દિવસ પહેલાં પણ તેઓ ત્યાં આવ્યા હતા. તેઓએ ગામના લોકો પાસેથી કોથળો માંગ્યો હોવાનું કહેતા પોલીસને કંઈક અજુગતું લાગતા આગળ તપાસ શરૂ કરી હતી.

પોલીસે આ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલ્યો હતો. અને ઘટનાસ્થળની આસપાસ તપાસ કરી હતી. જેમાં મૃતક ત્યાંજ બળી ગયાનું જાણવા મળ્યું હતું જેથી આ આત્મહત્યા હોવાનું પ્રાથમિક તારણ પોલીસે લગાવ્યું હતું. જો કે ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવતાં તેમાં મૃતદેહને પહેલાં ગળેટુંપો આપેલો હોવાનું ફલિત થતા પોલીસ ચોંકી ગઈ હતી અને ઉંડી તપાસ શરૂ કરી હતી.

બાદમાં તપાસ કરતા આ મૃતદેહ હસમુખભાઈ નહીં પણ તેના પાડોશમાં રહેતાં સંદીપભાઈ ગૌસ્વામીનો હોવાનું ખુલ્યું હતું. જેની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, હસમુખભાઈએ જ સંદીપભાઈની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હતો અને મૃતદેહ પોતાનો હોવાની ઓળખ ઉભી કરી હતી. તેમનો હેતુ વીમો પકાવવાનો હતો પણ એક પીએમ રિપોર્ટે તેમનો ખેલ બગાડી નાખ્યો હતો અને આ કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો.

આ પણ વાંચો :- જજોના સગા-સંબંધીઓ જજ નહીં બને! કોલેજિયમમાં નામ આગળ ન મૂકવા પર વિચારણા

Back to top button