ગુજરાતટોપ ન્યૂઝ

સુરતઃ નાના વરાછામાં રહેતી એક માતાએ પોતાના 1 વર્ષના પુત્ર ઝેર પીવડાવી પોતે પણ વખ ઘોળ્યું, બંનેના મોત

Text To Speech

સુરતના કાપોદ્રામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક માતાએ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું હતું. જે બાદ માતા-પુત્રને સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર બાદ બંનેના મોત નિપજ્યા છે. માતા દ્વારા આવું પગલું ભરવામાં આવતા તેમના પરિવારના લોકોએ આશંકા વ્યક્ત કર્યું કે, મહિલાએ માનસિક સંતુલન ગુમાવી દેતાં આવું હિચકારું પગલું ભર્યું છે.

ઘરેથી નીકળ્યા બાદ માતા-પુત્ર પરત ન ફર્યા
સુરતના નાના વરાછાના શિવધારામાં રહેતા જિજ્ઞેશભાઈ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે તેઓ કારખાને ગયા હતા ત્યારે બપોર તેમની 30 વર્ષીય પત્ની ચેતનાબેન તેમના એક વર્ષના પુત્ર અંશને લઈ ઘરેથી નીકળ્યા હતા. અંશ ઘરમાં રહેતો ન હોવાથી તેને લઈ કચરો નાંખવા જઈ રહ્યાનું પાડોશી મહિલાને કહી નીકળ્યા બાદ ચેતનાબેન ઘરે પરત ફર્યા ન હતા. દરમિયાન બપોરે ચેતનાબેન અને અંશ ઝેર પીધેલી હાલતમાં ઝડફીયા સર્કલ પાસેથી મળી આવ્યા હતા.

પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને સ્મીમેર ખસેડ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ચેતનાબેનનું સાંજે અને અંશનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું. બીજી તરફ સાંજે કારખાનેથી ઘરે આવેલા જિજ્ઞેશભાઈને પત્ની અને પુત્ર ઘરે ન દેખાતા તેમણે શોધખોળ કરી હતી. બંનેનો પત્તો ન લાગતા મોડી રાત્રે સરથાણા પોલીસમાં મિસિંગ નોંધાવી હતી. આ દરમિયાન એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હોવાની સરથાણા પોલીસને જાણ થતા તેમણે બન્નેનો ફોટો જિજ્ઞેશભાઈને બતાવતા બન્નેની ઓળખ થઈ હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માનસિક સમતુલન ગુમાવી દીધું હશે તેવી પરિવારને આશંકા
ચેતનાબેનના પતિ અને મામાએ જણાવ્યું હતું કે ચેતનાબેન તામસી સ્વભાવના હતા. 3 વર્ષ અગાઉ તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ત્યારબાદ તેમને કોઈ પારિવારિક સમસ્યા ન હતી. ચેતનાબેને માનિસક સંતુલન ગુમાવી પગલું ભર્યાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે.

 

Back to top button