રાજકોટમાં લિફ્ટમાં ફસાયેલી પુત્રીને કાઢવા જતાં માતા ત્રીજા માળેથી પટકાતા મોત
- મવડી વિસ્તારમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટનો બનાવ
- ભાવનાબેન નસીત (ઉ.વ.40)ને માથા અને હાથમાં ઇજા પહોંચી હતી
- મોત નીપજતાં તાલુકા પોલીસે વધુ તપાસ હાથધરી
મળતી માહિતી મુજબ, મવડી ગામમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતા ભાવનાબેન મનીશભાઇ નસીત (ઉ.વ.30)ને રવિવારે સવારે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિલમાં ખસેડાયા હતા, ઘટનાની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને તપાસ કરતાં વહાલસોયી પુત્રીને બચાવવા જતાં માતા ગંભીર રીતે ઘવાઇ હોવાનું ખુલ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનાબેનની દોઢ વર્ષની પુત્રી સવારે રમતા રમતા લિફ્ટમાં ઘૂસી ગઇ હતી અને અંદરથી એક બારણું બંધ થઇ ગયું હતું, બાળકી લિફ્ટનો દરવાજો ખોલી શકે તેમ ન હોય અને એકલી જ લિફ્ટમાં ફસાતા તેણે દેકારો કરતાં ભાવનાબેન અને એપાર્ટમેન્ટના અન્ય લોકો બાળકીને લિફ્ટમાંથી બહાર કાઢવા દોડ્યા હતા.
મહિલા લિફ્ટમાં પગ મુકવા જતા જ પડી ગઈ
તમામ લોકો માસૂમ બાળકીને લિફ્ટમાંથી બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકીને હેમખેમ બહાર કાઢી લેવામાં આવી હતી પરંતુ તે વખતે જ પુત્રીની ચિંતા અને તેને બહાર કાઢવાની મથામણમાં લિફ્ટ યોગ્ય રીતે ત્રીજા માળે નથી તેવું ભૂલી ગયેલા ભાવનાબેન લિફ્ટમાં પગ મુકવા જતાં જ વચ્ચેની જગ્યામાંથી ત્રીજા માળેથી પટકાયા હતા. જેથી તેમને સારવાર માટે તાત્કાલીક સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.