સૌરાષ્ટ્રના ક્રિકેટરોને મળી વધુ એક સુવિધા, પોરબંદરના ઐતિહાસિક દુલિપ ગ્રાઉન્ડમાં આધુનિક પેવેલિયનનું ભૂમિપૂજન કરાયું
સૌરાષ્ટ્રના ક્રિકેટરો અત્યારે હરણફાળ ભરી રહ્યા છે. રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ સહિતનાની પસંદગી આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે થઈ છે તો ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ સહિતના ખેલાડીઓ આઈપીએલમાં ડંકો વગાડી રહ્યા છે. ખેલાડીઓની આ સફળતા પાછળ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસાસિએશનનો સિંહફાળો રહ્યો છે કેમ કે સ્થાનિક ક્રિકેટરોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા પૂરી પાડવા માટે એસસીએ દ્વારા કોઈ જ પ્રકારની કસર છોડવામાં આવી રહી નથી જેના પરિણામે જ સૌરાષ્ટ્રના ક્રિકેટરો અત્યારે દેશ-વિશ્વમાં પોતાની છાપ છોડી રહ્યા છે.
દુલિપ ગ્રાઉન્ડમાં આધુનિક પેવેલિયનનું ભૂમિપૂજન
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અહીંના ક્રિકેટરોને વધુ એક સુવિધા મળી રહે તે માટે પોરબંદરના ઐતિહાસિક દુલિપ ગ્રાઉન્ડ ઉપર આધુનિક પેવેલિયન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું છે.
પેવેલિયનના ભૂમિપૂજન કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પોરબંદર નગરપાલિકા પાસેથી લીઝ પર જમીન મેળવીને દુલિપ ગ્રાઉન્ડ ઉપર આધુનિક પેવેલિયનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પેવેલિયનના ભૂમિપૂજન કાર્યક્રમમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો જેમાં બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહ, પ્રમુખ જયદેવભાઈ શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ઉપપ્રમુખ તેમજ એપેક્સ કાઉન્સીલ મેમ્બર દીપકભાઈ લાખાણી, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરીયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ નવનિર્મિત ક્રિકેટ પેવેલિયનના નિર્માણની કામગીરી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ વિશે માહિતી
અત્રે ઉલ્લેખનીય છે કે, દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડની સ્થાપના 1947માં કરવામાં આવી હતી જેને ભારતનું સૌથી જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ ગણવામાં આવે છે. અહીં 1968થી 1986ના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કુલ છ મુકાબલા આયોજિત થઈ ચૂક્યા છે. હવે અહીં આધુનિક પેવેલિયન નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં ડ્રેસિંગ રૂમ, ગ્રાઉન્ડમાં પાણીના છંટકાવની સુવિધા તેમજ શ્રેષ્ઠ આઉટફિલ્ડ સહિતની સુવિધા આપવામાં આવશે.
પોરબંદરમાં પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની મેચ મળવાના સંજોગો
આ સુવિધા ઉપલબ્ધ થયા બાદ પોરબંદરમાં રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિતની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની મેચ મળવાના સંજોગો ઉજળા બની જશે. આ ઉપરાંત પોરબંદરના સ્થાનિક ક્રિકેટરોને પણ પોતાની પ્રતિભા બતાવવા માટે આ પેવેલિયન કારગત નિવડશે તેવું જાણકારો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના ઉત્તર પ્રદેશમાં ધામા