રાજકોટ, 6 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલ માટુંગા પોલીસ મથકના PI વતી રાજકોટમાં રૂ.10 લાખની લાંચ લેતા એસીબીએ રાજકોટના વતની વચેટીયાને ઝડપી લીધો છે. એસીબીએ તેની ધરપકડ કરી છે અને લાંચ મળ્યાની ટેલીફોનિક વાતચીત કર્યા બાદ PI સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે આખું પ્રકરણ ?
મળતી માહિતી મુજબ, મુંબઈમાં આવેલ માટુંગા પોલીસ મથકે એક ગુનો નોંધાયેલો હતો. આ ગુનામાં રાજકોટમાં રહેતા ફરિયાદીનું નામ સામેલ હતું. જે ગુનામાં નિવેદન લેવા માટે આરોપી માટુંગા પોલીસ મથકના પીઆઈ દિગંબર પાગર દ્વારા તેમને નોટીસ મોકલવામાં આવી હતી. જે બાદ પીઆઈ દ્વારા રાજકોટમાં રહેતા તેમના વચેટીયા જયમીન સાવલીયાનો સંપર્ક ફરીયાદી સાથે કરાવ્યો હતો.
શા માટે લાંચ મંગાઈ હતી ?
જે બાદ જયમીન સાવલીયાએ માટુંગા પોલીસ મથકના પીઆઈ તેમના મિત્ર છે અને તેમને મળેલી નોટીસમાં તેઓ સેટીંગ કરાવી આપશે તેમ કહ્યું હતું. જે બાદ ફરીયાદીએ તેમને આ નોટીસમાં જવાબ આપવા જતા કોઈ ધરપકડ કે હેરાનગતિ કરવામાં ન આવે તેવું કહ્યું હતું. જેથી આ બાબતે જયમીનભાઈએ તેની પાસેથી રૂ.10 લાખની લાંચ માંગી હતી.
ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો
આ બનાવમાં ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે આ અંગે જામનગર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેથી રાજકોટ વિભાગના ઈ.ચા. મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પીઆઈ આર.એન.વિરાણીએ છટકું ગોઠવ્યું હતું. આરોપી જયમીને ફરીયાદીને રેસકોર્સ પાસે આવેલ ટી પોસ્ટ ખાતે રકમ આપવા બોલાવ્યા હોય જેથી ફરીયાદી ત્યાં પહોંચતા તેણે જયમીનને આ રકમ આપી હતી.
લાંચની રકમ મળી જતા પીઆઈ સાથે ટેલીફોનિક જાણ કરી
દરમિયાન આ લાંચની રકમ તેને મળી ગઈ હોય તે અંગે પીઆઈ સાથે જયમીને ટેલીફોનિક વાતચીત કરી હોય જે બાદ એસીબીએ તેને આ છટકામાં સાંપડી લઈ અટક કરી હતી અને તેની ધરપકડ કરી આરોપી પીઆઈને પણ ઝડપી લઈ રાજકોટ – જામનગર લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.