જોધપુરમાં ગુનેગારો બેખૌફ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. જોધપુરમાં હવે અપરાધીઓને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેવું લાગી રહ્યું છે. ધોળા દિવસે અપરાધીઓ મનફાવે તે કરે અને ફરાર થઈ જાય પરંતુ, પોલીસ તેઓનો વાળ સુદ્ધા વાંકો કરી શકે તેમ નથી, એમ કહેવું હવે ખોટુ નથી કારણકે જોધપુરમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે સનસનીખેજ લૂંટને અંજામ અપાયો છે.
જોધપુરના ફલોદીમાં 81 લાખની લૂંટ
લૂંટની ઘટના જોધપુરના ફલોદીમાં બની છે. ફલોદી શહેરમાં ધોળા દિવસે સરાજાહેર વેપારીને લૂંટી લેવામાં આવ્યો છે. ફલોદી શહેરના રાઈકા બાગ વિસ્તારમાં લૂંટની આ ઘટના ઘટી છે. બેંકમાંથી સ્કૂટી પર 81 લાખ રૂપિયા બેગમાં લઈ જઈ રહેલા વેપારીને રસ્તા પર કારથી આંતરી લૂંટી લેવાયો છે.
ફિલ્મી ઢબે લૂંટ, CCTVમાં કેદ
રાઈકા બાગ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાની તપાસ જોધપુર ગ્રામીણ એસપી અનિલ ક્યાલ અને તેમની ટીમ કરી રહી છે. લૂંટની આ સમગ્ર ઘટના અહીં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV કેમેરામાં જોવા મળી રહ્યું છે તેમ સ્કૂટી લઈ વેપારી જઈ રહ્યો હોય છે તે સમયે એક કાર સ્કૂટી આગળ આવીને ઉભી રહે છે. એટલે કે કારથી આરોપીઓ સ્કૂટીન આંતરી લે છે. કારમાંથી બે શખ્સો ઉતરે છે. તેમાંથી એક શખ્સ વેપારી પાસેથી રૂપિયા 81 લાખ ભરેલી બેગની લૂંટ કરી કારમાં બેસી જાય છે. વેપારી લૂંટારુની પાછળ ભાગે છે અને બેગ પાછી મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, ચાલાક આરોપીઓ કારનો દરવાજો બંધ કરી કાર વીજ વેગે ભગાવી મૂકે છે. એ પછી લોકોનું ટોળુ પણ ભેગુ થઈ જાય છે. અને વેપારી પોલીસને ફોન લગાવે છે.
આ મામલે પોલીસે વેપારીની ફરિયાદ લઈ સીસીટીવી કેમેરાના આધારે ગુનો નોંધી લૂંટ કરનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ટૂંક સમયમાં લૂંટારુઓની ઝડપી લેવાની જોધપુર ગ્રામીણ એસપી અનિલ ક્યાલે ખાતરી આપી છે.