અમદાવાદમાં વધુ એક અકસ્માત, મર્સિડીઝ કારચાલક બાઈક સવાર દંપતીને ટક્કર મારી ફરાર
- અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત
- ચંદ્રનગર ચાર રસ્તા પર અકસ્માત
- મર્સિડીઝ કારચાલકે બાઈકને મારી ટક્કર
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માત બાદ તંત્ર કામે લાગી ગયું હતું. પોલીસ દ્વારા દરરોજ ટ્રાફિક ડ્રાઈવ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છતાં બેફામ વાહન હંકારનારાઓ હજી પણ રસ્તાઓ પર કોઈના ડર વગર ફરતા જોવા મળી રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના ચંદ્રનગર વિસ્તારમાં એક કાર ચાલકે બાઈક સવાર દંપતિને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે.
મર્સિડીઝ કારે બાઈકને ટક્કર મારી
પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદના ચંદ્રનગર ચાર રસ્તા પર ગઈકાલે રાત્રે ફૂલ સ્પીડમાં આવેલી મર્સિડીઝ કારે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર દંપતીમાંથી બાઈકચાલકને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા.જોકે, અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાઈક ચાલકને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હાલ એન-ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર કાર કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ દ્વારા અકસ્માત રોકવા કરાયેલા પ્રયાસો નિષ્ફળ
મહત્વનું છે કે, અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ શહેરમાં દરરોજ નાના મોટા અકસ્માત સર્જાતા જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક લોકોને ઈજા થતી જોવા મળી રહી છે. જ્યાં બીજી તરફ પોલીસ દ્વારા શહેરમાં અકસ્માતો રોકવા કરવામાં આવેલા પ્રયાસો નિષ્ફળ જતા જોવા મળી રહ્યા છે. ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ પોલીસ દ્વારા મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, તેમ છતાં અમદાવાદમાં અકસ્માત અટકવાનું નામ નથી લઈ રહ્યું.
ગઈકાલે નિકોલમાં સર્જાયો હતો અકસ્માત
ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદના નિકોલમાં બોલેરો પિકઅપ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા સમગ્ર ઘટના સર્જાઈ હતી. જોકે, અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં રોડ પર ઉભેલા 2 વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો અને રિક્ષાચાલક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત કરી પિકઅપ ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈ આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ પર અકસ્માતોનું ગ્રહણ, દધિચી બ્રીજ પર અકસ્માત સર્જાતા રોષે ભરાયેલા સ્થાનિકોએ બસમાં કરી તોડફોડ