કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

  • મહાશિવરાત્રીના મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન

જૂનાગઢ, 23 ફેબ્રુઆરી: પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના મેળાના સુચારું આયોજન માટે અને ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, શ્રી મુક્તાનંદ બાપુ હરીગીરીજી બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી મહેશગીરી બાપુ, સહિતના ગણમાન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે સાધુ સંતો, ઉતારા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા.

કલેકટરએ જણાવ્યું કે, ‘જૂનાગઢની પવિત્ર ધરતી પર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુ મહાશિવરાત્રીના મેળામાં ભાવપૂર્વક પધારે છે. ત્યારે તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે તંત્રની જવાબદારી છે. તેના ભાગરૂપે મેળાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેળા દરમિયાન સફાઈ, પાણી, વીજળી શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધા માટે જરૂરી આયોજનો કરવામાં આવ્યું છે.’

ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે

ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પાર્કિંગ માટે બે નવા સ્થળો પણ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસ.ટી બસના રૂટને સર્ક્યુલર વે માં ગોઠવવામાં આવ્યો છે.

મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર બાઈક એમ્બ્યુલન્સની સુવિધા

આ મેળામાં આરોગ્યની સુવિધામાં વધારો કરતાં ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને હેલ્થ સેવાઓ મળી રહે તે માટે બાઈક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આ માટે ફાયર અને હેલ્થની ટીમ વચ્ચે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉતારા મંડળ નજીક હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરાયું છે. ઉપરાંત મેળાની ગરિમાને અનુરૂપ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી હરિગીરીબાપુએ સૌએ કર્તવ્યનું નિર્વાહન સાથે મહાશિવરાત્રીની મેળાની આધ્યાત્મિક ગરિમા વધારવા જણાવ્યું હતું. શ્રી ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, સાધુ સંતો તંત્રની સાથે છે દર વખતની જેમ આ વર્ષે પણ સુંદર મેળો યોજાશે. શ્રી મહેશગીરી બાપુએ પણ મેળામાં આવતા ભાવિકોને સાધુ સંતોના રવેડીમાં દર્શન થઈ શકે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ પણ વાંચો: AUDAના બજેટમાં જાહેરાતઃ અમદાવાદ-કલોલને જોડતો રોડ સિક્સ લેન બનશે

Back to top button