ડીસા ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત બેઠક યોજાઈ


પાલનપુર, ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ના આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવનાર છે. આ વિકાસ યાત્રા દરમિયાન ૧૮ જેટલા વિવિધ વિભાગોના સહયોગમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ નવા મંજૂર થયેલા કામોની જાહેરાત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ યોજનાઓનો પ્રચાર પ્રસાર ફિલ્મ નિર્દર્શન જેવા કાર્યક્રમો યોજાનાર છે. આ સમગ્ર કાર્યક્રમ ૧૫ દિવસ સુધી ચાલનાર છે. આ કાર્યક્રમના સંચાલન અને અમલીકરણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને નોડેલ વિભાગ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના આયોજનના ભાગરૂપે હાલ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે પણ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડીસા નાયબ કલેકટર યુ. એસ. શુકલા, ડીસા શહેરી મામલતદાર તેમજ ગ્રામીણ મામલતદાર અને ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય દ્વારા આગામી સમયમાં યોજાનાર વંદે ગુજરાત વિકાસયાત્રામા વધુમાં વધુ લોકો જોડાય તે માટે દરેક કર્મચારીઓને લોકો સુધી આ યાત્રા વિષે જાણકારી પહોંચાડવા માટે જણાવવામાં આવ્યું હતું.