નારોલ-લાંભા હાઈવે પર ચાલતી કારમાં લાગી ભયંકર આગ હાઈવે પર ટ્રાફિક જામ

અમદાવાદ, 15 નવેમ્બર 2025: અમદાવાદમાં આવેલ નારોલ-લાંભા હાઈવે પર આજે સાંજે 7 વાગ્યા આસપાસ ચાલતી એક કારમાં અચાનક ભયંકર આગ લાગી જતાં હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો. આ ઘટનામાં કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં કેટલા લોકો સવાર હતા અને જાન હાની થઈ છે કે કેમ તેની હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળવા પામી નથી.
લાંભા થી નારોલ ચોકડી તરફ જતી એક કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો જોતજોતાં કારમાંથી ભડભડ આગ ફાટી નીકળી અને આખી કારને લપેટી લીધી. આગની જ્વાળા અને ધુમાડાને કારણે હાઈવે પર અન્ય વાહનો રોકાઈ ગયા, જેના કારણે અમદાવાદ તરફ જતા અને આવતા માર્ગ પર લાંબો ટ્રાફિક જામ થયુ હતુ.
ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત ગાડીઓ ઘટના સ્થળે આવવા નીકળી હતી પરંતુ ટ્રાફિક એટલો જામ થયો હતો કે બ્રીજ પર આવતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. માંડ માંડ ગાડી ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. અને ટ્રાફિકને હટાવવાનું કામ કરવામાં આવ્યુ.
આ પણ વાંચો: તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી, વાયરલ વીડિયો બાદ પોલીસે બે યુવકોને કરાવ્યું કાયદાનું ભાન












