પેરીસ ઓલિમ્પિક્સમાં દેશ-વિદેશના એથ્લીટોને મળવું હોય તો 4 કરોડ તૈયાર રાખો
પેરીસ ઓલિમ્પિક્સમાં જો તમારે દેશ-વિદેશના ખેલાડીઓને મળવું છે તો તમારે તમારાં ખિસ્સાઓને ઊંડા કરવા પડશે. ફ્રાંસની રાજધાની પેરીસમાં આ વર્ષે 26મી જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ઓલિમ્પિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ માટે ટીકીટો અને ટ્રાવેલ માટેની વ્યવસ્થા દુનિયાભરના ખેલ રસિકો અત્યારથી જ કરવા માંડ્યા છે.
કાયમ એથલેટીક્સની રમતો જોવા માટે ટીકીટોની પડાપડી થતી હોય છે અને આ વખતે પણ 100 મીટર પુરુષોની દોડ, લોંગ જંપ, વગેરે માટે ટીકીટોની માંગ ખૂબ ઉંચી છે. હવે જ્યારે આ ઇવેન્ટ નજીક આવી રહી છે ત્યારે ઘણી કંપનીઓ ઓલિમ્પિક્સ પ્રેમીઓને વિવિધ પ્રકારના પેકેજીઝ ઓફર કરવા લાગ્યા છે.
એક આંતરરાષ્ટ્રીય એજન્સી જે અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લબ્રોં જેમ્સ અને ટેનીસના મહાન ખેલાડી રફેલ નાદાલની બિઝનેસ મેનેજર છે તેણે એક અનોખું પેકેજ જાહેર કર્યું છે. આ કંપનીએ ઓલિમ્પિક પેકેજ વેંચવાનું શરુ કર્યું છે જેની કુલ કિંમત 3,81,600 અમેરિકન ડોલર્સ છે જે ભારતીય રૂપિયામાં લગભગ 4 કરોડ જેટલી થવા જાય છે.
આ પેકેજમાં તમને ઓલિમ્પિક્સની કુલ 14 ઈવેન્ટ્સ લાઈવ સ્ટેડિયમમાં જોવા મળશે જેમાં 100 મીટરની પુરુષોની દોડ પણ સામેલ છે. આ ઉપરાંત તમે પેરીસ ઓલિમ્પિક્સમાં નક્કી કરવામાં આવેલા વિવિધ સ્થળો અને સ્ટેડિયમમાં આવેલી લોન્જમાં પણ આરામથી હરીફરી શકશો.
આટલું ઓછું હોય તેમ આ પેકેજ તમને વિવિધ ઓલિમ્પિક સ્ટાર્સને પણ રૂબરૂ મુલાકાત કરાવી આપશે. આ પેકેજ આપનારી કંપનીએ એ જણાવવાથી ઇન્કાર કર્યો છે કે તે કયા કયા ઓલિમ્પિક સ્ટાર્સને ફેન્સને રૂબરૂમાં મેળવશે. પરંતુ જો આ કંપનીનો રેકોર્ડ જોવામાં આવે તો તેણે આયોજિત કરેલી પ્રાઈવેટ ઈવેન્ટ્સમાં રફેલ નાદાલ, નોવાક જોકોવિચ અને ઈટાલીયનના વિન્ટર ઓલિમ્પિક સ્કી પ્લેયર જ્યોર્જીયો રોક્કા સાથે ફેન્સને મેળવ્યા છે.
સ્વાભાવિક છે કે આટલી મોટી રકમ તો કોઈ અતિશય શ્રીમંત વ્યક્તિ જ આપી શકે, પરંતુ જો કોઈને પેરીસ ઓલિમ્પિક્સમાં ફક્ત એથલીટોને જ મળવું હોય તો તેની વ્યવસ્થા પણ આ કંપની આપે છે અને તે માટે તમારે ભારતીય ચલણ પ્રમાણે 20 લાખ રૂપિયાથી માંડીને 35 લાખ રૂપિયા આપવાની તૈયારી રાખવી પડશે.
હવે જ્યારે આપણે આ કંપની વિશે આટલી બધી માહિતી મેળવી લીધી છે તો તેનું નામ જાણવાની પણ આપણને જરૂર ઈચ્છા થાય બરોબરને. તો ચાલો જાણીએ કે આ કંપની કઈ છે. આ કંપનીનું નામ છે GR8 Experiences અને તેનું હેડક્વાર્ટર અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલા માયામીમાં આવેલું છે.