આત્મહત્યા કરવા શખ્સ બ્રિજ પર ચડ્યો અને મળી બિરયાની અને નોકરી?
કોલકાતા (પશ્ચિમ બંગાળ), 23 જાન્યુઆરી: કોલકાતામાં આત્મહત્યાના ઇરાદે બ્રિજ પર ચડેલા એક શખ્સને પોલીસે નોકરી અને બિરયાનીની લાલચ આપીને બચાવ્યો હતો. આ અંગે પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. કારાયા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આ ચોંકાવનારી ઘટના સોમવારે બપોરે લગભગ 2.30 કલાકે બની હતી. પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળે દોડી આવી હતી. શખ્સ આત્મહત્યાના ઈરાદેથી બ્રિજ પર ચડી ગયો હતો અને વારંવાર પુલથી કૂદકો લગાવવાની ધમકી આપી રહ્યો હતો. પોલીસે તેને ઘણું સમજાવ્યું પરંતુ તે પોતાની જીદ પર અડગ રહ્યો. યુવકના કારણે લગભગ અડધા કલાક સુધી પુલ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો.
શખ્સ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, વ્યક્તિ મરવા પર મક્કમ હતો અને કંઈપણ સાંભળવા માટે તૈયાર નહોતો. બાદમાં તેની ઓળખ આ જ વિસ્તારના 40 વર્ષીય રહેવાસી તરીકે થઈ. વ્યક્તિ તેની મોટી દીકરીને ટુ-વ્હીલર પર સાયન્સ સિટી લઈ જતો હતો. ફોન રસ્તામાં પડી ગયો છે તેમ બહાનું બનાવીને તે પુલ પર રોકાઈ ગયો. ત્યારબાદ બ્રિજ ચડીને કૂદી જવાની ધમકી આપવા લાગ્યો હતો. ખરેખર, આ વ્યક્તિ તેની પત્નીથી અલગ થવાને કારણે અને બિઝનેસમાં થયેલા નુકસાનને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. જેના લીધે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો
બિરયાની અને નોકરીની લાલચ પર શખ્સ માન્યો
બ્રિજ પરથી કૂદી જવાની ધમકી આપનારા વ્યક્તિની માહિતી મળ્યા પછી, કોલકાતા પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (ડીએમજી) અને ફાયર વિભાગના કર્મચારીઓ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વ્યક્તિ સાથે વાત કરવાનું શરૂ કર્યું. પોલીસકર્મીએ કહ્યું, અમે સમસ્યા સમજવા માટે તેની પુત્રી સાથે વાત કરી અને પછી તેને સમજાવવા માટે વાતચીત કરવાની યોજના બનાવી આખરે, અમે તેને બિરયાનીની અને નોકરીની લાલચ આપી. ત્યારબાદ તે બ્રિજ પરથી નીચે ઉતર્યો હતો. બીજી તરફ, પોલીસને ડર હતો કે, જો વ્યક્તિ પુલ પરથી લપસી જશે તો તે ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાશે અથવા નીચે રેલવે ટ્રેક પર પડી જશે અને તેને ગંભીર ઈજા પહોંચી શકતી હતી. જો કે, પોલીસે સૂઝબૂઝથી શખ્સને બચાવી લીધો હતો.
આ પણ વાંચો: અમેરિકા: ફાયરિંગમાં 8નાં મૃત્યુ, હુમલાખોરે પણ પોતાની જાતને ઉડાવી દીધી