ગુજરાત ATSનું મોટું ઓપરેશન, દેશની ગુપ્ત માહિતી લીક કરનારને પોરબંદરથી દબોચ્યો
પોરબંદર, 26 ઓક્ટોબર : ગુજરાત ATS ની ટીમે એક મોટું ઓપરેશન પાર પાડી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન સાથે પહોંચાડનાર એક શખસને પોરબંદરમાંથી ઝડપી લીધો છે. તે છેલ્લા કેટલાક મહિનાઓથી એક મહિલાના સંપર્કમાં હતો અને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી તેના સુધી માહિતી પહોંચાડતો હતો.
મળતી માહિતી મુજબ, ATS PSI આર.આર.ગરચરનાઓને ગુપ્ત બાતમી મળેલ કે, પંકજ દિનેશભાઇ કોટીયા રહે. કે.કે.નગર, લાલાભાઈ ઘંટીવાળાની બાજુની શેરીમાં બોખીરા, પોરબંદર છેલ્લા કેટલાક સમયથી કોઇ પાકિસ્તાની આર્મી કે જાસુસી સંસ્થા ISIના કોઇ અધિકારી કે એજન્ટ સાથે સાથે સંપર્કમાં છે અને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટો અંગેની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ ફોનમાં સોશિયલ મીડીયાના પ્લેટફોર્મથી મોકલી આપેલ છે અને તે માટે આર્થિક લાભ પણ મેળવે છે.
આ બાતમી હકીકત બાબતે ATS ગુજરાતના વરીષ્ઠ અધિકારીઓને જાણ કરાતા તેઓની સૂચના મુજબ પંકજ કોટીયાને પૂછપરછ અર્થે અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ હતો. જેની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે તમાકુ પેકીંગનું કામકાજ કરે છે તેમજ છેલ્લા એકાદ વર્ષથી કેટલીક વખત પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપ ઉપર વેલ્ડીંગ તથા અન્ય પરચુરણ મજુરી કામ માટે હેલ્પર તરીકે કામ કરવા જાય છે. આજથી આશરે આઠેક માસ પહેલા તે Riya નામ ધરાવતી એક ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવેલ હતો.
Riya પોતે મુંબઈની એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી આ Riya ફેસબુક પ્રોફાઈલ ધારકે પંકજ કોટીયા સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કરેલ અને પૈસાની લાલચ આપી ઉપરોક્ત ઈસમ પાસેથી પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી શીપના નામ, કોસ્ટગાર્ડના શીપના લોકેશન સહિતની માહિતી માંગેલ હતી. જે મુજબ આ પંકજ કોટીયાનાઓએ છેલ્લા આઠેક માસ દરમ્યાન પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી કોસ્ટગાર્ડની શીપના નામ વગેરે લખી વોટસએપના માધ્યમથી Riyaને મોકલી આપેલ છે.
આ મહિતી મેળવવા બદલ ફેબ્રુઆરી 2024થી આજ દિન સુધીમાં ટુકડે ટુકડે આ Riya નામની મહિલાએ રૂ. 26,000/- અલગ અલગ યુ.પી.આઇ.થી પંકજ કોટીયાનાઓના એકાઉન્ટમાં જમા કરાવેલ છે. વધુમાં Riyaએ પંકજ કોટીયાનાઓ સાથે ચેટ કરેલ WhatsApp એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલવા પામેલ છે.
દરમિયાન આ પ્રકારની સંવેદનશીલ માહિતી જો પાકિસ્તાન જેવા દેશ માટે જાસૂસી કરી રહેલ એજન્ટને મળે તો તે ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરીક સલામતી માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. જે બાબત ધ્યાને લઈ ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે પંકજ કોટીયા તથા પાકીસ્તાની મહિલા એજન્ટ Riya દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડના રીસોર્સીસ અંગેની માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ ૬૧ તથા કલમ ૧૪૮ મુજબ ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- પુણે ટેસ્ટમાં ભારતની ખરાબ હાર, 69 વર્ષે ન્યુઝીલેન્ડનો સીરીઝ ઉપર કબજો