ટોપ ન્યૂઝનેશનલ

સંસદની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલોએ એક મોટું ષડયંત્ર: કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

  • BJPના સાંસદની મદદથી આરોપીઓને સંસદનો પાસ મળ્યો, પરંતુ સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં : જયરામ રમેશ

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: સંસદની સુરક્ષામાં ચૂકના કેસમાં આરોપીઓ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલા દાવાને ટાંકીને કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. પાર્ટીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે, “આ મામલે વિપક્ષી નેતાઓને જવાબદાર ઠેરવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.” જે અંગે પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પણ કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સિમ્હાની મદદથી આરોપીઓને સંસદનો પાસ મળ્યો, પરંતુ સિમ્હા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં.”

6 આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી 1 માર્ચ સુધી લંબાવવામાં આવી

સંસદની સુરક્ષામાં ચૂકના કેસમાં ધરપકડ કરાયેલા છમાંથી પાંચ આરોપીઓએ બુધવારે કોર્ટમાં જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ વિરોધ પક્ષો સાથેના તેમના સંબંધોને કબૂલ કરવા માટે કથિત રીતે તેમને ત્રાસ આપી રહી હતી. 5 આરોપીઓએ એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌર સમક્ષ આ દલીલ કરી હતી. ન્યાયાધીશે તમામ છ આરોપીઓની ન્યાયિક કસ્ટડી 1 માર્ચ સુધી લંબાવી છે. જયરામ રમેશે પોસ્ટ કર્યું કે, ‘પોતાના ગુનાઓ છુપાવવા વિપક્ષ પર ખોટા આક્ષેપો કરવા એ ‘અહંકારાચાર્ય’ની રીત છે! ED, CBI અને આવકવેરા વિભાગનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેનાર મોદી સરકાર હવે વધુ એક ષડયંત્ર રચી રહી છે.”

વિપક્ષી નેતાઓના નામ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે : જયરામ રમેશ

કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું હતું કે, “સંસદમાં ઘૂસણખોરી કરનારા યુવાનોને પાસ આપનારા ભાજપના સાંસદો સામે શરૂઆતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સુરક્ષાની ખામીઓ પર અવાજ ઉઠાવનારા 146 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.” જયરામ રમેશે દાવો કર્યો કે, ‘હવે ષડયંત્રના ભાગરૂપે થર્ડ ડિગ્રી આપીને જે યુવાનોએ બેરોજગારી સામે અવાજ ઉઠાવ્યો હતો તેમના પર વિપક્ષી નેતાઓના નામ લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ એટલા માટે છે કે તેમની સામે ખોટા કેસ થઈ શકે અને સંસદની સુરક્ષામાં ગંભીર ખામી માટે તેમને જવાબદાર ઠેરવી શકાય.”

અન્યાય સામે કોંગ્રેસની લડત ચાલુ રહેશે

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જયરામ રમેશે કહ્યું કે, “મોદી સરકારના અન્યાય કાળ વિરુદ્ધ કોંગ્રેસનો સંઘર્ષ ચાલુ રહેશે. ચાલો રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા આ અન્યાયી સરકાર સામે અવાજ ઉઠાવીએ.”

આ પણ જુઓ : Budget 2024: વિરોધ પક્ષોએ કહ્યું ‘બજેટમાં કંઈ ખાસ નથી’

Back to top button