ઊર્જા ક્ષેત્રે રાજ્યની મોટી સિદ્ધિ, દેશની ટોચની પાંચ વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી ચાર ગુજરાતની

- રાજ્યની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા A+ રેટિંગ અપાયું
ગાંધીનગર, 3 માર્ચ : રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજમાળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, જ્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવે છે તેમ રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
રાજ્યમાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ આપવામાં આવેલાં વીજ જોડાણો અંગેની વિગતો આપતાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વર્ષ ૧૯૯૭થી અમલી થયેલી આ યોજના હેઠળ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં રાજ્યમાં આશરે રૂ. ૫૮૩.૩૪ કરોડના ખર્ચે કુલ ૧૦,૯૬,૫૮૧ જેટલા પરિવારોને ઘર વપરાશનાં વીજજોડાણો આપવામાં આવ્યા છે.
જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણની માહિતી આપતાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં જિલ્લાના વિવિધ તાલુકાના ૧૪૧૯ લાભાર્થીઓને કુલ રૂ.૬૫.૪૩ લાખના ખર્યે વીજજોડાણ આપવામાં આવ્યાં છે.
આ અંગે મંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવતાં તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજજોડાણ મેળવી શકે છે.
આ યોજના હેઠળ ઘરવપરાશના વીજ જોડાણ માટે લેવા માટે અરજદારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત કચેરીએ, જ્યારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાએ નોંધાવેલી અરજી વીજ વિતરણ કંપનીની સંલગ્ન ક્ષેત્રીય કચેરી દ્વારા અરજદારનો સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો મેળવીને વીજ જોડાણ આપવાની કામગીરી કરવામાં આવે છે. જેના માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ ઘરવપરાશના વીજજોડાણ માટે કોઈ જ રકમ ભરપાઈ કરવાની રહેતી નથી તેમ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો :- ભાજપ શાસિત આ રાજ્યમાં પેટ્રોલ થશે સસ્તું, સરકારે બજેટમાં કરી રાહતની જાહેરાત