નવસારી સુરત સ્ટેટ હાઇવે નં-6 પર ગોઝારો અકસ્માત સર્જાયો, 3 યુવાનોએ જીવ ગુમાવ્યો
- કોલાસણા ગામના પાટિયા પાસે વણાંકમાં બાઈક ચાલકે કાબુ ગુમાવ્યો
- બાઈક બસ સટેન્ડમાં ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો
- ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે અરેરાટી ભર્યું મૃત્યુ થયુ
નવસારી સુરત સ્ટેટ હાઇવે નં-6 પર કોલસાણા ગામના પાટિયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ દોડતી બાઈક કોલસાણા ગામના બસ સ્ટેન્ડમાં ભટકાતા બાઈક સવાર નવસારીના જલાલપોરમાં રહેતા ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે લોહી લુહાણ હાલતમાં અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા.
કોલાસણા ગામના પાટિયા પાસે વણાંકમાં બાઈક ચાલકે કાબુ ગુમાવ્યો
મૃતક ત્રણેય યુવાનો નવસારીના જલાલપોરથી સુરતના ઉધના ખાતે રહેતા ઠેકેદારને મળવા માટે જઈ રહ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નવસારીના જલાલપોર ખાતે પટેલ સોસાયટી ગાયત્રી નિવાસ મિશ્ર શાળા નં 6 પાસે ભાડેથી રહેતા મૂળ યુ.પી.ના રાજપુર ગામના વતની એવા અર્જુન લલ્લનપ્રસાદ બિન્દ (ઉ.વ.18)નવસારી ખાતે આવેલી ગોલ્ડી સોલર કંપનીમાં નોકરી કરતો હતો. અર્જુન તેની સાથે નોકરી કરતા મિત્રો વિકાસ બચ્ચાપ્રસાદ દુબે (ઉ.વ.20, રહે, હંસગંગા સોસાયટી, જલાલપોર) અને હીરા ઘવાનું કામ કરતા મિત્ર અંકિતકુમાર રામગોપાલ મિશ્રા (ઉ.વ.22,રહે,પતરા ચાલ જલાલપોર) સાથે ત્રણેય મિત્રો પોતાની સ્પ્લેન્ડર બાઇક(નં,જીજે-21-કે-0165) પર નવસારીથી સુરત ઉધના ખાતે રહેતા પોતાના ટેકેદારને ત્યાં મળવા માટે જઈ રહ્યા હતા.
બાઈક બસ સટેન્ડમાં ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો
દરમિયાન નવસારી સુરત સ્ટેટ હાઇવે નં-6 પર થી પુરપાટ ઝડપી અને બેફામ બાઈક હંકારી લઈ જઈ કોલાસણા ગામના પાટિયા પાસે વણાંકમાં બાઈક ચાલક વિકાસ દુબેએ બાઈક પરથી કાબુ ગુમાવી દઈ બાઈક રસ્તાની બાજુમાં આવેલ બસ સટેન્ડમાં ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બાઈક પર ત્રણેય યુવાન મિત્રો રસ્તા પર ફંગોળાઇ જતા તેઓ ત્રણેયને શરીરે માથાના ભાગે તથા હાથ પગના ભાગે નાની મોટી ગંભીર ઈજાઓ થતાં લોહી લુહાણ હાલતમાં ત્રણેય મિત્રોના ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.
આ પણ વાંચો: વાપીમાં CGST કચેરીનો ઈન્સ્પેક્ટર રૂ.40 હજારની લાંચ લેતા પકડાયો