હવે ઘણું બધું બહાર આવશે ખરૂં? તોડકાંડ કેસમાં યુવરાજસિંહ જાડેજાને મળ્યા જામીન
ભાવનગર: સમગ્ર રાજ્યમાં ચકચારી મચાવનાર તોડકાંડના મુખ્ય આરોપી યુવરાજ સિંહને જામીન મળી ગયા છે. યુવરાજસિંહની જામીન અરજીની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુનાવણી પછી ભાવનગર જિલ્લા કોર્ટે યુવરાજને જામીન આપ્યા હતા.
સમગ્ર રાજ્યમાં ચકચારી તોડકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ સહિત છ શખસની મુદત હોઈ, તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, જેમાં યુવરાજસિંહ એકમાત્ર જેલમાં હતો, જ્યારે બાકી પાંચ શખસને પહેલા જામીન મંજૂર કરી દેવામાં આવ્યાં હતા. . આ પહેલા યુવરાજે મીડિયાને કહ્યું હતું કે ‘સત્ય પરેશાન છે, પરાજિત નહીં, હું બહાર આવીશ ત્યારે ઘણુંબધું બહાર આવશે’.
હું બહાર આવીશ પછી ઘણું બધું આવશે બહાર
યુવરાજસિંહે જણાવ્યું હતું કે સત્ય પરેશાન કરી શકે છે, પરાજિત નહીં, અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે, ચોક્કસપણે ન્યાય થશે, પોલીસે મૂકેલા પુરાવા સામે અમે પણ મજબૂત પુરાવા મૂક્યા છે, અમારી પાસે પણ ઘણુંબધું છે, જે આવનારા દિવસોમાં બહાર આવશે, આર્થિક લેતીદેતીમાં મારું હજુ પણ કોઈપણ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ નથી, આ તો હજી વન સાઈડ જ પિક્ચર દેખાયું છે, પિક્ચરનું ટ્રેલર જ આવ્યું છે, હજુ બીજી સાઇટનું પિક્ચર બાકી છે, જે ઘણું વિશાળ છે, હું જેવો બહાર આવીશ એવું ઘણુંબધું જાણવા મળશે.
ભાવનગરમાં ડમીકાંડ બાદ ઊભો થયેલો તોડકાંડ ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બન્યો હતો અને ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં યુવરાજસિંહ સહિત છ શખસ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસતંત્ર દ્વારા તમામ શખસોની ક્રમશ: ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી.
તોડકાંડ કેસ બોર્ડ પર આવી જતાં પ્રથમ મુદ્તે યુવરાજસિંહ જાડેજા સહિત છ શખસને મુદ્તે છઠ્ઠા એડિ. સિનિયર સિવિલ જજ અને એડિ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એમ.ધોડી સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં પ્રથમ મુદત પૂર્ણ થતાં યુવરાજસિંહને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઇન્સ્ટા ID કર્યું ડિલીટ, શું એકાઉન્ટમાં હતા તથ્યના કારનામાંના પુરાવા ?