‘ઘણું બધુ દાવ પર લાગેલું’ સુંદર પિચાઈએ 2025 માટે Google કર્મચારીઓને ચેતવણી આપી
- AI ઝડપથી ઉભરી રહ્યું છે, આવા સમયે આપણે બધાએ તેની જરૂરિયાત સમજીને પોતાને તૈયાર કરવાની છે: સુંદર પિચાઈ
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: આખું વિશ્વ 2025ના આગમનની તૈયારી કરી રહ્યું છે અને લોકો ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છે. આ દરમિયાન વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલના CEO સુંદર પિચાઈએ કર્મચારીઓને ચેતવણી આપી છે. સુંદર પિચાઈએ 2024ના અંતિમ દિવસે કહ્યું કે, નવું વર્ષ ઘણું નક્કી કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ઝડપથી ઉભરી રહ્યું છે. આવા સમયે આપણે બધાએ તેની જરૂરિયાત સમજીને પોતાને તૈયાર કરવાની છે. આપણે એક કંપની તરીકે ઝડપથી વૃદ્ધિ કરવી પડશે. ઘણું બધું દાવ પર લાગેલું છે અને સમજણ છે કે, આપણે એક કંપની તરીકે ઝડપથી આગળ વધવું પડશે અને AI માટે પોતાને અનુકૂળ અને તૈયાર કરવું પડશે.
ગૂગલના CEO સુંદર પિચાઈએ શું કહ્યું?
સુંદર પિચાઈએ કહ્યું કે, 2024માં એવી ઘણી તકો આવી છે જ્યારે ટેક્નોલોજીની પ્રભાવ પડ્યો છે. 2025માં આપણે સખત મહેનત કરવી પડશે. આ ટેક્નોલોજીના ફાયદા સમજવા પડશે અને તે મુજબ યુઝરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો રહેશે. તેમણે કહ્યું કે આવતા વર્ષે અમારું મુખ્ય ફોકસ Gemini App રહેશે. તેના દ્વારા અમે લોકોને સાચી માહિતી પૂરી પાડીશું અને જનરેટિવ AIના તેમના અનુભવને સુધારીશું. પિચાઈએ કહ્યું કે, અમારે Geminiને લઈને પ્લાનિંગ કરવું પડશે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પિચાઈએ કર્મચારીઓને સ્પષ્ટપણે કહ્યું કે, AI ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે આપણે Gemini એપ સ્થાપિત કરી શકીએ, આ વર્ષે એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
પિચાઈએ કહ્યું કે, અમે છેલ્લા કેટલાક મહિનામાં Gemini એપ સાથે સારા પ્રયોગો કર્યા છે. પરંતુ અમારે 2025માં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી કરીને અમે ઇન્ડસ્ટ્રીમાં રહેલા ગેપને દૂર કરી શકીએ અને પોતાને લીડર તરીકે સ્થાપિત કરી શકીએ. તેમણે કહ્યું કે Geminiનો વિસ્તાર કરવો અને તેને ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરવું એ 2025માં ગૂગલની ટોચની પ્રાથમિકતા રહેશે. મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરતાં પિચાઈએ કહ્યું કે, અમારે 2025માં 500 મિલિયન યુઝર્સનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. 2025માં Gemini ગ્રાહકોની સંખ્યા વધારવી એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે. હકીકતમાં, ChatGPT સહિત આવા ઘણા AI ટૂલ્સ છે જે Google માટે પડકારરૂપ છે. આવી સ્થિતિમાં તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) પર પણ ભાર આપી રહ્યો છે.