ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

સુરતમાં મતદાન મથકની બહાર લાંબી લાંબી લાઈન, ડિંડોલીમાં એક મહિલા પોતાના નવજાત સાથે મત આપવા પહોંચી

Text To Speech

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજ સવારથી જ શહેરના અનેક મતદાન મથકો લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યાં છે. ત્યારે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ડિંડોલીની રામી પાર્ક ખાતે આવેલી સનરાઈઝ વિદ્યાલયના મતદાન મથકે  એક મહિલા પોતાના એક મહિનાના નવજાત શિશુ સાથે લોકશાહીના તહેવારમાં પોતાનું યોગદાન આપવા પહોંચ્યા હતા.

મૂળ ઉત્તરપ્રદેશ અને વર્ષોથી સુરતના દેલાડવા ખાતે રહેતા 26 વર્ષનાં તનુ સંતોષ મિશ્રા પોતાના એક માસના બાળકની સાથે મત આપવા પહોંચ્યા હતા. મતદાન બાદ તનુ સંતોષ મિશ્રાએ જણાવ્યું કે- જો તમે વિચારે મક્કમ અને શરીરે સક્ષમ હોવ તો કોઈ પણ અવરોધો નડતા નથી.  મતદાન કરવું એ સૌની નૈતિક ફરજ છે. હું વહેલી સવારે મારી એક મહિનાની દીકરી વર્ષા મિશ્રા અને પરિવાર સાથે મતદાન મથકે પહોચી ત્યારે હાજર લોકોએ આવકાર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપતા ખુબ ઉત્સાહ અને ખુશીનો અનુભવ થયો હતો. તેમણે અન્ય મહિલાઓને પણ પોતાના મતનો અચૂક ઉપયોગ કરવા સંદેશ પાઠવ્યો હતો.

સુરતમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની કતાર જોવા મળી રહી છે. મતદારોમાં ઉત્સાહ જોતા આ વખતે મતદાનની ટકાવારી વધી શકે છે.

Back to top button