વેરાવળમાં વાડીના મકાનમાં દીપડો ઘૂસ્યો, રેસ્ક્યૂ કરતા બે વનકર્મીઓ ઈજાગ્રસ્ત
વેરાવળ, 5 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં દીપડાના હૂમલા વધી રહ્યાં છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસી જઈ ગાય અને વાછરડાના મારણ કરતાં દીપડાનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે વેરાવળ બાયપાસ નજીક વાડીના એક મકાનમાં દીપડો ઘૂસી ગયો હતો અને વહેલી સવારે એક વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂર્યો હતો. આ દરમિયાન દીપડાએ બે વન કર્મીઓને સામાન્ય ઇજા પણ પહોંચાડી હતી. દીપડાને રેસ્ક્યૂ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે.
રેસ્ક્યૂ માટે દીપડાને બેહોશ કરવાની ફરજ પડી હતી
વેરાવળ રેન્જ ફોરેસ્ટર કે.ડી. પંપાણીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, વેરાવળ બાયપાસ ઉપર તાલાળા ચોકડી નજીક વાડીના મકાનમાં આજે સવારે દીપડો ઘૂસી ગયો હતો અને મકાનના ઢાળિયામાં બાંધેલા વાછરડાનું મારણ કર્યું હતું. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. દીપડો અવાવરું મકાનમાં લપાઈ ચૂક્યો હતો, પરંતુ મકાનના બારી બારણા હતા નહીં એટલે દીપડાનું રેસ્ક્યૂ કરવું ખૂબ જ જોખમી હતું. આમ છતાં વન વિભાગની રેસ્ક્યૂ ટીમે દીપડાનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. દીપડાને બેહોશ કરવાની ફરજ પડી હતી.
રેસ્ક્યૂ કરતાં બે વનકર્મીઓને ઈજા પહોંચી
દીપડાના રેસ્ક્યૂ સમયે જે મકાનમાં દીપડો છુપાયો હતો તેની બારીમાં આડસ કરવામાં આવી હતી અને આ સમયે અચાનક દીપડાએ હુમલો કરતા વેરાવળ બીટગાર્ડ કિરણકુમાર જોશી અને એનીમલ કેર સેન્ટરના રેસ્ક્યૂ ટીમના ટ્રેકર સંજય ડોડીયાને સામાન્ય ઇજા પહોંચી હતી. જે બંનેને સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા. દીપડાને વેટરનરી ડોક્ટર દ્વારા ટ્રેંક્યુલાઇજ કરી દેવામાં આવતા દીપડાનું રેસ્ક્યૂ કરી અમરાપુર ગીર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃવિધાનસભામાં સરકારે કબૂલ્યું, છેલ્લા બે વર્ષમાં 113 સિંહ અને 294 દિપડાના મૃત્યુ થયા