PM મોદીના આગમન પહેલા જ રાજકોટમાંથી જીલેટીન સ્ટીકનો મોટો જથ્થો ચોરી થયો, બિનવારસી હાલતમાં મળ્યો?
રાજકોટના જામકંડોરણા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એક જંગી જાહેરસભા સંબોધવાના છે. તેના પહેલા રાજકોટમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલા લાપાસરી ગામે એક ભરડીયામાંથી જીલેટીનનો મોટો જથ્થો ચોરી થયો છે. જે ઘટનાની જાણ થતાં શહેર અને જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. આ બનાવમાં પોલીસે ભરડીયામાં કામ કરતા એક મજૂરને શંકાના આધારે અટકમાં લીધો છે. જો કે છેલ્લે મળેલી માહિતી અનુસાર એક સ્થળેથી જીલેટીનનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે તે વિસ્ફોટક પદાર્થ ભરડીયામાંથી ચોરી થયેલો જથ્થો જ છે કે અન્ય ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના ?
શહેરનાં કાલાવડ રોડ પર બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતા રાજહંસ સ્ટોન ક્રશર નામે વ્યવસાય કરતાં એભલભાઇ લાભુભાઇ જલુ (ઉ.વ.34)એ જિલેટિન સ્ટિકના જથ્થાની ચોરી અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એભલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શહેરની ભાગોળે લાપાસરીની ખાણમાં સ્ટોન ક્રશર સાઇટ ચાલી રહી છે, સ્ટોન ક્રશ કરવા માટે ખાણમાં બ્લાસ્ટ કરવામાં આવે છે અને આ માટે એક્સપ્લોસિવની જરૂરિયાત રહે છે, ગત તા.5ના ખાણની સાઇટ ઓફિસ પર જિલેટિન સ્ટિકનો જથ્થો આવ્યો હતો અને ઓફિસમાં રાખવામાં આવ્યો હતો.
1400 જીલેટીન સ્ટિકની સાથે 250 નંગ બ્લાસ્ટિંગ કેપની પણ ચોરી
ફરિયાદમાં એભલભાઇએ જણાવ્યું હતું કે ગત તા. 6થી 7 દરમિયાન ઓફિસમાં ઘૂસી કોઇ શખ્સો 1400 જિલેટિન સ્ટિક, 250 નંગ બ્લાસ્ટિંગ કેપ અને બ્લાસ્ટિંગ કરવાનો 1500 મીટર વાયર સહિત કુલ રૂ.40500નો મુદ્દામાલ ચોરી ગયું હતું. તસ્કર ઓફિસના દરવાજાના તાળાં તોડીને અંદર ઘુસ્યા હતા અને હાથફેરો કરી ગયા હતા. જ્યારે કોઇ ઇસમોએ શાંતિ ડહોળવા માટે કોઇપણ સ્થળે ધડાકા કર્યા છે ત્યારે તેમાં જિલેટિન સ્ટિક સહિતના એક્સપ્લોસિવનો ઉપયોગ થયાનું અગાઉ તપાસમાં ખુલ્યું છે.
પોલીસે એક શકમંદને લીધો સકંજામાં
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આગમન થવાનું છે ત્યારે જ જિલેટિન સ્ટિકના મોટા જથ્થાની ચોરીને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને પોલીસે ભરડિયાના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી, જેમાંથી પોલીસે એક શકમંદને સકંજામાં લીધો હતો અને બે કર્મચારીઓ રહસ્યમય સંજોગોમાં નોકરી સ્થળ પરથી જતા રહેતા તેના પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી હતી.
બિનવારસી હાલતમાં મળી આવ્યો જથ્થો
દરમ્યાન રાજકોટમાં એક સ્થળેથી વિસ્ફોટક પદાર્થ જીલેટીનનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ જથ્થો લાપાસરીના ભરડીયામાંથી ચોરી થયેલો હતો તે જ છે કે અન્ય કોઈ ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.