ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં પાયાના ખોદકામ દરમ્યાન દિવાલ ધરાશાયી થતાં એક મજૂર દટાયો

Text To Speech
  • સ્થાનિકોએ બચાવ કામગીરી કરીને મજૂરને હેમખેમ બહાર કાઢ્યો

પાલનપુર,17 ડિસેમ્બર 2023 : ડીસામાં લાયન્સ હોલ પાસે આજે ખોદકામ દરમ્યાન બાજુની દિવાલ ઘસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી બચાવ કામગીરી કરીને મજૂરને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો.

 

ડીસામાં લાયન્સ હૉલ પાસે ડિમ્પલ ટોકીઝ તરફ જવાના રસ્તા પર એક શોપિંગ માટે પાયા ભરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. જેમાં છોટા ઉદયપુરના રહેવાસી દલસિંગભાઇ અને ભીમાભાઇ પાયાનું ખોદકામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બાજુના ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાને પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો. જ્યારે દલસીંગભાઇ દિવાલ નીચે દટાઈ જતા અફડાતફડી મચી ગઇ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી. એક કલાકની ભારે જહેમતથી સ્થાનિકોએ દટાયેલા મજૂરને બહાર નીકળ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ બનાવ અંગે હીતેશભાઇ મોઢ અને ભીમાભાઇએ જણાવ્યું હતું કે, શોપિંગ સેન્ટર બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું, તે સમયે અચાનક બાજુની દિવાલ ધરાશયી થતા એક મજૂર નીચે દટાઈ ગયો હતો, આ બનાવની જાણ થતા જ આજુબાજુમાંથી અમે બધા દોડી આવ્યા હતા અને મજૂરને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી હતી. લગભગ એકથી દોઢ કલાક બાદ આ મજૂરને હેમખેમ બહાર નીકાળી સારવાર માટે ખસેડ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જોકે આ કામગીરી દરમ્યાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ જ સુરક્ષાના નિયમોનું પાલન કરાયુ ન હતું. સદનસીબે મજૂર બચી જતા દુર્ઘટના ટળી છે, પરંતુ નગરપાલિકાએ આવા શોપિંગના બાંધકામ દરમ્યાન સુરક્ષામાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો : ડીસામાં એરંડા,રાજગરો સહિતના પાકોમાં જીવાત પડતા નુકસાન, ખેડૂતો ત્રાહીમામ

Back to top button