21 નવેમ્બર: ટેલિવિઝનની ઈડિયટ બોક્સથી સ્માર્ટ ટીવી સુધીની સફર…
અમદાવાદ: દર વર્ષે 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એક એવી શોધ હતી જેનાથી દુનિયામાં ટેક્નોલોજી ક્રાંતિનો ઉદય થયો હતો. ટેલિવિઝન એક એવું ઉપકરણ છે જેનાથી સમાચારથી લઈને મનોરંજનને લઈ તમામ જાણકારી આપણે જાણી શકીએ છીએ. આ સચોટ માહિતીનું માધ્યમ છે જેણે સમાજમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બ્લેક એન્ડ વ્હાઇટથી શરૂ થયેલી આ સફર આજે સ્માર્ટ ટીવી સુધી પહોંચી છે. આજે ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ટીવી ઉપલબ્ધ ન હોય. આ ઈલેક્ટ્રોનિક માધ્યમના કારણે આપણે દુનિયામાં બનતી દરેક ઘટનાઓથી વાકેફ રહીએ છીએ. તો ચાલો નજરી કરીએ ટેલિવિઝનથી જોડાયેલા એવા જ રસપદ ઈતિહાસની.
1996થી ટેલિવિઝન ડેની કરાઈ છે ઉજવણી
1996ની વાત છે, જ્યારે યુનાઈટેડ નેશન્સે પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ફોરમ બોલાવ્યું હતું. જેમાં દુનિયાભરના ટીવી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત લોકોએ ભાગ લીધો હતો. એ સમયે ટીવીની મહત્ત્વની ભૂમિકાને લઈ ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક સહયોગ વધારવામાં ટેલિવિઝનના યોગદાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે જાહેર કર્યો.
બોક્સ અને પંખાની મોટરથી બન્યું પ્રથમ ટેલિવિઝન
ટેલિવિઝનના આવિષ્કારક જ્હોન લોગી બાયર્ડે બાળપણમાં બીમાર રહેવાને કારણે સ્કૂલ જઈ શકતા ન હતા. 13 ઓગસ્ટ 1888માં સ્કૉટલેન્ડમાં જન્મેલા બાયર્ડેને ટેલિફોન પ્રત્યે એટલી રૂચિ હતી કે તેમણે 12 વર્ષની ઉંમરે પોતાનો ટેલિફોન વિકસાવ્યો હતો. બાયર્ડ એવું વિચારતા હતા કે એક દિવસ એવો આવશે કે લોકો હવાનાં માધ્યમથી તસવીરો મોકલશે. બાયર્ડે વર્ષ 1924માં બોક્સ, બિસ્કિટનું ટિન, સિલાઈ મશીનની સોય, કાર્ડ અને પંખાની મોટરનો ઉપયોગ કરીને ટેલિવિઝનનો આવિષ્કાર કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1927માં ફર્ન્સવર્થે પહેલું વર્કિંગ ટીવી બનાવ્યું હતું. તમને ભાગ્યે જ ખબર હશે કે ટીવીની શોધ થયાના લગભગ ત્રણ દાયકા પછી ભારતમાં આવ્યું. ટીવીનું પહેલું ઓડિટોરિયમ આકાશવાણી ભવનમાંથી બનાવવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. આ પછી 90ના દાયકામાં રામાયણ અને મહાભારતની શરૂઆત થઈ. ત્યારે એ સમયે આ કાર્યક્રમો જોવા લોકો બધું મૂકીને ટીવી આગળ બેસી જતાં હતાં.
ટેલિવિઝન શબ્દ ક્યાંથી આવ્યો?
ટેલિવિઝન શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે. ટેલિ શબ્દનો અર્થ દૂર થાય છે અને તે લેટિન શબ્દ વિઝન પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે જોવું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક ટેલિવિઝન પહેલા દુનિયામાં મિકેનિકલ ટેલિવિઝન હતું.ટીવીનું બીજું નામ ઈડિયટ બોક્સ છે. આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે ટીવી લોકોનું મનોરંજન કરે છે અને તે લાંબા સમય સુધી આપણને વ્યસ્ત રાખે છે.
ભારતમાં ટેલિવિઝન ક્યારે આવ્યું?
ભારતમાં ટેલિવિઝન સૌપ્રથમ પ્રાયોગિક પ્રસારણ હેઠળ 15 સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હીમાં આવ્યું હતું. સપ્ટેમ્બર 1961માં વૉલ્ટ ડિઝનીની વન્ડરફુલ વર્લ્ડ ઓફ કલરનું પ્રીમિયર થયું, જે ટેલિવિઝનના ઇતિહાસમાં એક મહત્વનો વળાંક સાબિત થયો. ભારતમાં 1965માં ન્યૂઝ બુલેટિન શરૂ થયું જે દરરોજ 1 કલાક માટે પ્રસારિત થવા લાગ્યું. વર્ષ 1972માં મુંબઈથી ટીવી સેવાઓ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 1975માં કોલકાતા, ચેન્નઈ, શ્રીનગર, અમૃતસર અને લખનઉમાં ટીવી સ્ટેશનની સ્થાપના કરવામાં આવી. તમને જણાવી દઈએ કે વર્ષ 2000માં ભારતમાં 1 ટીવી ચેનલ હતી. જો કે, હાલમાં અસંખ્ય ટીવી ચેનલ્સ પર જુદા-જુદા કાર્યક્રમો માણી શકાય છે.
જ્યારે ટીવી માટે લાઈસન્સ લેવું પડતું હતું!
ભારતમાં ટીવી નવા નવા આવ્યા ત્યારે ખરીદનારે ટીવી ઘરમાં રાખવા માટે લાઈસન્સ લેવું પડતું હતું. 1980ના દાયકા સુધી દેશમાં લાઈસન્સ-રાજનો જમાનો હતો અને માત્ર ટીવી માટે જ નહીં પરંતુ રેડિયો, સાઈકલ વગેરે માટે પણ લાઈસન્સ લેવા પડતા હતા. સરકારી કચેરીમાંથી લાઈસન્સ લીધા બાદ દર વર્ષે પોસ્ટ ઑફિસમાં તેની લાઈસન્સ ફી પણ ભરવી પડતી હતી. જોકે, ત્યારબાદ ગંભીર આર્થિક સંકટમાંથી બહાર આવવા ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી અને ધીમેધીમે આવી નાની વસ્તુઓને લાઇસન્સમાંથી મુક્તિ આપવામાં આવી.
આ પણ વાંચો: વર્લ્ડ કપ ફાઈનલના દિવસે એરપોર્ટ પર 40 હજાર મુસાફરો નોંધાયા, જાણો વિદેશથી કેટલા આવ્યા