આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતુ. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજે ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા વિન્ટેજ કારની (Vintage Car Drive) વિશાળ ડ્રાઇવ યોજાઈ હતી. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સુધીનું અંતર કાપીને આવેલી આ વિન્ટેજ કાર રેલીમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 75 જેટલી વિન્ટેજ કાર સામેલ હતી.
આ પણ વાંચો: ઉત્તરાયણ પછી શુભાશુભ યોગ બનશે પણ, આ રાશીમાં નાની-મોટી અસર વર્તાશે
હેરિટેજ કાર્સની એન્ટ્રી અને જમાવડાએ પર્યટકોને આશ્ચર્ય ચકિત કર્યા
આ વિશાળ કાર ડ્રાઈવમાં હેરિટેજ કાર્સની એન્ટ્રી અને જમાવડાએ પર્યટકોને આશ્ચર્ય ચકિત કરી પર્યટકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી કાર હતી, જે પર્યટકોએ પહેલી વાર જોઈ હતી. આવા આયોજનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાનિકો સહિત દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કરશે.
આ પણ વાંચો: ઉત્તરાયણનો તહેવાર મોતનો પૈગામ ન બને એ જરૂરી
90 કિલોમીટરનું અંતર કાપીને આ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી
21 ગન સેલ્યુટ એન્ડ કલ્ચર ટ્રસ્ટ ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી મદનમોહને જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસથી પ્રસ્થાન કરી 90 કિલોમીટરનું અંતર કાપીને આ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી છે. વિશ્વના 27 દેશોથી આવેલા 35 જજીસ, તેમના પ્રતિનિધિ તેમજ દેશના ખૂણે-ખૂણાથી આવેલી આ વિશેષ કારો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પહોંચી છે. જે પર્યટન ક્ષેત્રે એક અલગ જ કિર્તીમાન સ્થાપિત કરી રહ્યું છે. જેને વધુ પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી વિન્ટેજ કાર ડ્રાઈવનું આયોજન કર્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરનું આ મનમોહક દ્રશ્ય વિશ્વભરને એકતાનો સંદેશો પહોંચાડશે.
75 વિન્ટેજ કારની પરેડ દર્શાવવામાં આવી
21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર રેલીમાં ઐતિહાસિક ડ્રાઇવમાં હેરિટેજ કાર ધરાવનાર ઉદ્યોગપતિ તથા રાજવી પરિવાર કે તેમના સબંધીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિન્ટેજ કાર ડ્રાઈવના આયોજનની સરાહના કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અહીં 75 વિન્ટેજ કારની પરેડ દર્શાવવામાં આવી હતી, જેમાં 1922 ડેમલર, 1938 રોલ્સ-રોયસ 25/30, 1911 નેપિયર, 1933 પેકાર્ડ વી12, રોલ્સ-રોયસ ફેન્ટમ 2, 1949 લિંકન કોસ્મોપોલિટન, 1960 મર્સિડીઝ બેન્ઝ 190 SL બેન્ઝ મોટરવેગન, 1948 બ્યુક સુપર, 1936 ડોજ ડી 2 કન્વર્ટિબલ સેડાન, 1948 હમ્બર, 1936 ઓસ્ટિન 10/4 ટૂરર અને 1931 ફોર્ડ એ રોડસ્ટર ડ્રાઇવ જેવી અદભૂત હેરિટેજ કારોએ કારના શોખીનોને મંત્રમુગ્ધ કર્યા હતા.