પાંડવામાં ભારે પવન ફૂંકાતા નેશનલ હાઇવે પર તૂટી પડ્યું તોતિંગ વૃક્ષ


પાલનપુરના વડગામ તાલુકાના કોદરામ- પાંડવા ગામ પાસે મંગળવાર રાત્રે વાવાઝોડું ફૂંકાયું હતું. ત્યારબાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે તેજ પવન ફૂંકાતા નેશનલ હાઇવે પર કોદરામ- વડગામ વચ્ચે તોતિંગ ઝાડ પડી ગયું હતું જેના કારણે બે કલાક નેશનલ હાઇવે બંધ રહ્યો હતો.
તાત્કાલિક તોતિંગ વૃક્ષને હાઇવે પરથી દુર કરાયું
આ અંગે વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણ સિહ રાણા તથા જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સકસેનાને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ સાઈટ પર પાંડવા ગામના ઠાકોર સમાજના લોકોએ તાત્કાલીક જે.સી.બી. લાવીને સાથે રહી હાઇવે પરથી તોતિંગ ઝાડને દુર કરાવ્યું હતું. પરંતુ તે પહેલાં એક રીક્ષા તથા ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષા ચાલક સહીત ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા. તેમને વડગામ સી. એચ.સી માં સારવાર અર્થે મોકલાયા હતા. ભાજપના પદાધિકારીઓ, અગ્રણીઓ લોકોની મદદ કરવા દોડી આવ્યા હતા પરંતુ સરકારી તંત્ર નહીં પહોંચતા લોકોમાં કચવાટ ફેલાયો હતો.