કનૈયાલાલની હત્યાના વિરોધમાં પાલનપુરમાં વિશાળ રેલી યોજાઇ


ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કનૈયાલાલને તેમની દુકાનમાં જ તિક્ષણ હથિયાર વડે કરાયેલી નિર્મમ હત્યાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. સોમવાર બપોરે પાલનપુરના તમામ વ્યાપારી સંગઠનો, સંતો- મહંતો સહિત સમસ્ત હિન્દુ સમાજે એકઠા થઈને એક વિશાળ રેલી કાઢી હતી. અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી.
તમામ વ્યવસાયિકો ધંધો- રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા
સોશિયલ મીડિયામાં નુપુર શર્માના સમર્થનમાં કરેલી પોસ્ટને લઈને ઉદેપુરમાં કનૈયાલાલનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ભાગી છૂટેલા હત્યારાઓને રાજસ્થાન પોલીસે પકડી લીધા હતા. પરંતુ જે પ્રકારે નિર્મમ હત્યા થઈ હતી તેના પડઘા સમગ્ર દેશભરમાં પડ્યા છે. આ ઘટનાને દરેક સમાજના લોકો વખોડી અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે આ હત્યાના વિરોધમાં ઠેર ઠેર આવેદનપત્ર આપીને હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ ઉઠી છે.
કનૈયાલાલના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરાઈ
ડીસામાં પણ કનૈયાલાલની હત્યાને વખોડી કાઢી છે. ત્યારે સોમવારે પાલનપુર ખાતે આવેલ જી.ડી. મોદી કોલેજ પાસે શહેરના હિંદુ સમાજના સંતો- મહંતો, શહેરના વેપારીઓ, આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અને કનૈયાલાલની જે પ્રકારે હત્યા કરી દેવામાં આવી હતી એ ઘટનાની નિંદા કરી વખોડી કાઢવામાં આવી હતી. ત્યારબાદ જી.ડી. મોદી કોલેજથી વિશાળ રેલી નીકળી હતી. જે રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કનૈયાલાલના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે માટે માગ કરાઈ હતી. આ રેલીમાં જોડાયેલા સમગ્ર હિન્દુ સમાજના લોકોમાં ભારે આક્રોશ વ્યક્ત થઇ રહ્યો હતો.