ઉત્તરપ્રદેશમાં ગાદલા બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 6 લોકો જીવતા થયા ભડથું
ઉત્તરપ્રદેશ, 22 સપ્ટેમ્બર, ઉત્તરપ્રદેશથી એક મોટી દુર્ઘટનાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. અહીં ગ્રામણી વિસ્તાર રાનિયામાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગમાં અત્યાર સુધીમાં 6 લોકો જીવતા ભડથું થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે. આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઉત્તરપ્રદેશના ગ્રામણી વિસ્તાર રાનિયામાં ફોમના ગાદલા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે, એક મશીનમાંથી તણખલો નીકળતાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આ દરમિયાન ત્રણ લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ કાનપુરમાં સારવાર દરમિયાન જ્યારે બે લોકો લખનઉમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. જેમાં ત્યાં કામ કરતા 6 મજૂરો દાઝી ગયા હતા. તે જ સમયે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઇજાગ્રસ્ત કામદારોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તમામની સારવાર ચાલી રહી છે.
આ મામલે કાનપુરના એસપી બીબીજીટીએસ મૂર્તિએ જણાવ્યું કે ફેક્ટરીના ત્રણ ડિરેક્ટરો સામે કેસ નોંધીને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ફેક્ટરીમાં રાતના સમયની શિફ્ટમાં લગભગ 15 કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનો દાવો કરાયો હતો. કાનપુર દેહાતના પોલીસ અધિક્ષક (SP) BBGTS મૂર્તિએ જણાવ્યું કે શનિવારે રાનિયાના ખાનપુર ખડંજા રોડ પર આરપી પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ લિમિટેડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગના કારણે ફેક્ટરીમાં એલપીજી ગેસ સિલિન્ડર ફાટ્યો અને છત પડી ગઈ. અધિકારીએ જણાવ્યું કે ફેક્ટરીના ડિરેક્ટર શિશિર ગર્ગે ફાયર સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.