દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે જોરદાર વિસ્ફોટ, વિસ્તારમાં અફરાતફરી મચી
નવી દિલ્હી, 20 ઓક્ટોબર : દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ સંભળાયો છે. જેનાથી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્કૂલની દિવાલ પાસે થયો હતો. વિસ્ફોટ બાદ તરત જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા જેના કારણે સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા.
ડીસીપીએ શું માહિતી આપી હતી?
આ ઘટના અંગે રોહીણી ડીસીપી અમિત ગોયલે કહ્યું કે બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને તેનો સ્ત્રોત કયો છે. ડીસીપીએ કહ્યું કે નિષ્ણાત ટીમ આ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સ્પષ્ટ થશે.
નજીકના મકાનો અને વાહનોના કાચ તૂટ્યા
ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને ઘટનાસ્થળે બોલાવી છે. FSL ટીમ બ્લાસ્ટના કારણની તપાસ કરશે અને સ્પષ્ટ કરશે કે તે કોઈ પ્રકારનો હુમલો છે કે અકસ્માત? દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસમાં સહયોગ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટના કારણે નજીકમાં પાર્ક કરાયેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. કેટલાક ઘરોમાં કાચ તૂટ્યા હોવાની માહિતી પણ સામે આવી છે.
સિલિન્ડર બ્લાસ્ટ પણ કારણ હોઈ શકે છે
CRPF સ્કૂલની નજીક ઘણી દુકાનો છે, તેથી આ બ્લાસ્ટ સિલિન્ડર બ્લાસ્ટને કારણે થયો હોવાની શક્યતા છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. આગના ભયને કારણે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વિગતવાર તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :- બેંગલુરુ ટેસ્ટ હારે કે ડ્રો થાય તો ભારત WTC રેસમાંથી બહાર નીકળી જશે? જાણો શું થઈ શકે