અમદાવાદમાં હોટલે પ્રોપર્ટી ટેક્સ ના ભરતા AMCના નામે મિલકત ચડાવાઈ
- હોટલ હાઈલેન્ડનો રૂ.1.84 કરોડનો ટેક્સ બાકી હતો તેથી AMCના નામે મિલકત ચડાવાઈ
- પશ્ચિમ ઝોનમાં લગભગ 15 જેટલી પ્રોપર્ટીનો કરોડોનો ટેક્સ બાકી નીકળે છે
- હોટલ હાઈલેન્ડની મિલકત રૂ.1ના ટોકનથી AMCના નામે ચડાવી દેવામાં આવી
અમદાવાદમાં હોટલે પ્રોપર્ટી ટેક્સ ના ભરતા AMCના નામે મિલકત ચડાવાઈ છે. જેમાં હોટલ હાઈલેન્ડનો રૂ.1.84 કરોડનો ટેક્સ બાકી હતો તેથી AMCના નામે મિલકત ચડાવાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા શહેરના CG રોડ પર ચોઈસ રેસ્ટોરેન્ટની બાજુમાં ક્રિશ્ના કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ હાઈલેન્ડનો રૂ.1કરોડ, 84 લાખથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી નીકળતો હોવા અંગે વારંવાર નોટિસો આપવા છતાં મિલકતવેરો નહીં ભરવા બદલ હોટલ હાઈલેન્ડની તા.10 સપ્ટેમ્બર, 2024ના રોજ હરાજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં મર્ડર કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી
હોટલ હાઈલેન્ડની મિલકત રૂ.1ના ટોકનથી AMCના નામે ચડાવી દેવામાં આવી
જોકે, હોટલ હાઈલેન્ડની હરાજી માટે કોઈ બિડ નહીં આવતાં હોટલ હાઈલેન્ડની મિલકત રૂ.1ના ટોકનથી AMCના નામે ચડાવી દેવામાં આવી છે અને હોટલ હાઈલેન્ડ AMC હસ્તક લઈ લેવામાં આવી છે. હોટલ હાઈલેન્ડના રૂ. 1.84 કરોડથી વધુ રકમના બાકી પ્રોપર્ટી ટેક્સ અંગે પ્રથમ કર ભરવાપાત્ર કબજેદાર તરીકે જીવણલાલ જેઠાલાલ પટેલ હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લગભગ 17વર્ષથી હોટલ હાઈલેન્ડનો પ્રોપર્ટી ટેક્સ બાકી નીકળે છે અને બાકી લેણાં વસૂલવા માટે AMC દ્વારા વારંવાર નોટિસ ફટકારવા છતાં બાકીદારોએ ટેક્સ ભર્યો નહોતો.
પશ્ચિમ ઝોનમાં લગભગ 15 જેટલી પ્રોપર્ટીનો કરોડોનો ટેક્સ બાકી નીકળે છે
આ બાબતે વારંવાર રીમાઈન્ડર કરવામાં આવ્યા હોવા છતાં ટેક્સ ચૂકવણી નહીં કરાતાં હોટલ હાઈલેન્ડની મિલકત પર બોજો ઉભો કરીને તેની હરાજી માટે જાહેર ખબર આપીને હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનમાં લગભગ 15 જેટલી પ્રોપર્ટીનો કરોડોનો ટેક્સ બાકી નીકળે છે અને વારંવાર આપવામાં આવેલી નોટિસોને ઘોળીને પી ગયેલાઓની મિલકતોનુ વેલ્યુએશન કરવા માટે પ્રોસેસ હાથ ધરીને હરાજીની પ્રક્રિયા કરવામાં આવશે.