ગુજરાત

ઔદ્યોગિક નગરીમાં સતત ત્રણ દિવસથી આગની હેટ્રીક; પાનોલીની હાઈકલ કેમિકલમાં આગ લાગતા 4 કામદાર દાઝ્યાં

Text To Speech

અંકલેશ્વરઃ ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસથી આગની ઘટનાઓ ઘટી રહી છે. સોમવારે સમી સાંજે પાનોલીની હાઈકલ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. જેમાં 4 કામદારો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સતત ત્રણ દિવસથી આગની ઘટના બની
ઉનાળો ભરૂચ જિલ્લા માટે હંમેશા આકરો પુરવાર થાય છે. ખાસ કરી ઔદ્યોગિક ગઢમાં આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થાય છે. છેલ્લા 3 દિવસથી અંકલેશ્વરમાં સતત આગની ઘટનાઓ ભંગારના ગોડાઉનો તથા કંપનીઓમાં આગ લાગવાની ઘટના બની રહી છે. ત્યારે સોમવારે સાંજે પાનોલી GIDCમાં આવેલી હાઈકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. કંપનીના 3 નંબરના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે એકાએક ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. અચાનક ઉપરના માળે આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

અડધો કલાકે આગ કાબૂમાં આવી
ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMC અને પાનોલીના 5 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અડધો કલાકથી વધુની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. આગને પગલે 4 કામદારો દાઝી જવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીપીસીબી, પોલીસ અને ફેકટરી ઇન્સ્પેક્ટરે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button