એક ગુજરાતી યુવક સંભાળશે એપલમાં ટોચના સ્થાને જવાબદારી
- ગૂગલ-માઈક્રોસોફ્ટ બાદ હવે એપલ પણ ભારતીય મૂળના વ્યક્તિને આપશે મોટી જવાબદારી
- ગુજરાતી મૂળના રુચિર દવેને મળશે એપલમાં ઓડિયો (એકોસ્ટિક્સ) વિભાગના વાઇસ પ્રેસિડેન્ટનું પદ
HD ન્યૂઝ ડેસ્ક, 21 ફેબ્રુઆરી: એપલે તેની લીડરશિપ ટીમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. એપલની આ ટીમમાં ભારતીય મૂળના રૂચિર દવેને મહત્ત્વની જવાબદારી મળવા જઈ રહી છે. દવે એપલના ઓડિયો (એકોસ્ટિક્સ) વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ લેવા જઈ રહ્યા છે. રૂચિર દવે એપલ સાથે છેલ્લા 14 વર્ષથી જોડાયેલા છે. તે ટૂંક સમયમાં ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે. રૂચિર દવે કોણ છે ક્યાંથી અભ્યાસ કર્યો છે. ચાલો જાણીએ…
છેલ્લા 14 વર્ષથી Apple સાથે જોડાયેલા છે રુચિર દવે
ઓડિયો ડિવિઝનના નવા વાઇસ પ્રેસિડેન્ટ રુચિર દવે છેલ્લા 14 વર્ષથી Apple સાથે જોડાયેલા છે. દવેની લિંક્ડઈન પ્રોફાઈલ પરથી મળેલી માહિતી અનુસાર, તે વર્ષ 2009માં એપલ સાથે જોડાયા હતા. તે Appleમાં એકોસ્ટિક એન્જિનિયર ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. રૂચિર દવેને વર્ષ 2012માં મેનેજર કક્ષાએ બઢતી આપવામાં આવી હતી. આ પછી, 2021 થી વરિષ્ઠ નિર્દેશકનું પદ સંભાળી રહ્યા હતા.
ગુજરાતની L.D એન્જિનિયરિંગ કૉલેજમાં કર્યો છે અભ્યાસ
રુચિર દવે એપલમાં જોડાયા પહેલા સિસ્કોમાં હતા. ત્યાં તેણે લગભગ 10 વર્ષ કામ કર્યું. રૂચિરની પ્રોફાઈલ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, તે ગુજરાતના અમદાવાદમાં શારદા મંદિરના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેણે 1982 થી 1994 સુધી ત્યાં અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે 1998માં અમદાવાદની દલપતભાઈ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ(L.D એન્જિનિયરિંગ)માંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. સ્નાતક થયા પછી, તેઓ વધુ અભ્યાસ માટે પેન સ્ટેટ યુનિવર્સિટી ગયા.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રૂચિર દવેના નજીકના લોકોએ એપલમાં તેમને મળેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપી છે. એપલે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. હાલમાં રૂચિર દવેને જે વિભાગના વડા બનાવવામાં આવ્યા છે તે વિભાગમાં 300 કર્મચારીઓ કામ કરે છે. તેઓ હોમપોડ, એરપોડ્સ અને સ્પીકર્સનો બિઝનેસ સંભાળે છે. Appleની આ જ ટીમ સ્પેશિયલ ઑડિયો જેવી અદ્યતન તકનીકો પર પણ કામ કરે છે.
આ પણ વાંચો: માત્ર વિચારથી કમ્પ્યૂટર માઉસ ચલાવવામાં મળી સફળતા, ઈલોન મસ્કે આપ્યું અપડેટ