ગમે તે પરિસ્થિતિમાં ગરબા રમી લે એ ગુજરાતી, જુઓ તેનું આ ઉદાહરણ
- વડોદરાવાસીઓ શેરીઓમાં ભરાયેલા પાણીમાં ગરબા રમ્યા
- વરસાદી માહોલ વચ્ચે પણ ગરબાનો આનંદ લોકોએ માણ્યો
- શહેરીજનોનો ગરબા રમતો વીડિયો થયો વાયરલ
વડોદરા, 30 ઓગસ્ટ : હાલમાં ગુજરાતમાં મેઘરાજા તબાહી મચાવી રહ્યા છે. અરબી સમુદ્ર સહિતના દરિયાકાંઠે સક્રિય થતી સિસ્ટમના લીધે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે છે. પરિણામે જનજીવન અસ્તવ્યસ્ત થઈ છે. સૌરાષ્ટ્રમાં વરસાદે ત્રણ દિવસ ભારે તારાજી સર્જી હતી. દરમિયાન મધ્ય ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમથી લોકોના ઘરમાં પાણી ઘુસી જાય તે પ્રકારે વરસાદ પડ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ કોઇપણ કહી દેશે કે, ગમે તે પરિસ્થિતિમાં ગરબા રમી લે એ ગુજરાતી.
હા, આ વીડિયો વડોદરાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં તે શહેરમાં ફરી વળ્યાં હતા. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણથી કેડસમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. તેમછતાં વડોદરાવાસીઓ હસ્તા મોઢે પરિસ્થિતિને સહન કરતા હતા.
દરમિયાન શહેરની એક સોસાયટીમાં કેટલાક રહીશો એકઠાં થયા અને આ ગોઠણડુબ પાણીમાં પણ તેઓએ ગરબા શરૂ કર્યા હતા. જોતજોતામાં આ ગરબાના તાલે ઝૂમવા માટે આસપાસના લોકો અને પોતાના ઘરમાંથી ડોકાતા શહેરીજનો પણ જોડાઈ ગયા હતા. આ અદભુત ક્ષણ ત્યાં ઉભેલા લોકોએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધી હતી અને જોતજોતામાં આ વીડિયો વાયરલ થયો હતો. જેને ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
વાસ્તવમાં આ દૃશ્ય પરથી સ્પષ્ટ થાય છે કે, તેમના ઘરે અથવા ધંધાના સ્થળે અગાઉથી નિર્ધારિત કોઈ શુભ પ્રસંગ છે અને તેથી અતિવૃષ્ટિને કારણે ભરાઈ ગયેલું પાણી પણ તેમને શુભ પ્રસંગની ઉજવણી કરતાં રોકી શક્યું નથી.
અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે, આવી સ્થિતિમાં ગરબે રમતા આ વડોદરાવાસીઓ સારી રીતે જાણે – સમજે છે કે, આ માનવસર્જિત નહીં પરંતુ કુદરતી આફત છે. એક સાથે અસાધારણ માત્રામાં વરસાદ તૂટી પડે ગમે તેવું આયોજન પણ ધોવાઈ જઈ શકે.
આ દિલદાર વડોદરાવાસીઓ જે રીતે ગરબે રમી રહ્યા છે એના પરથી એવું તારણ કાઢવું પણ યોગ્ય નથી કે તેઓ પાણી ભરાવાથી ખુશ થઈ ગયા છે, પરંતુ આનો અર્થ એ છે કે, તેમના પ્રસંગને સાચવી લીધો છે.
ત્યારે સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયેલા વીડિયોને જોતા એવું ચોક્કસથી કહીં શકાય કે, ગમે તે પરિસ્થિતિમાં ગરબા રમી લે એ ગુજરાતી. અને આ વીડિયો તેનું બેનમૂન ઉદાહરણ છે.