જૂનાગઢ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો
- જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો
- આંગણવાડી તેડાગર બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ -૨૦૦૫થી માહિતગાર કરાયા
જૂનાગઢ, 5 ફેબ્રુઆરી: જિલ્લા મહિલા અને બાળ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ “શશીકુંજ” જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત આંગણવાડી તેડાગર બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ -2005, દહેજ પ્રતિબંધક અધિનિયમ ૧૯૬૧, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩, મહિલાઓ સાથે થતી હિંસાના કિસ્સામાં સરકારની વિવિધ સેવાઓ જેમકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની અન્ય યોજનાઓ જેવી કે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના વગેરે વિષે પણ માહિતી આપવમાં આવી હતી.
ઘરેલુ હિંસા અધિનિયમ-2005થી મહિલાઓનું રક્ષણ
પરિણીત મહિલાઓની સુરક્ષા માટે આ કાયદો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અંતર્ગત મહિલાઓને પતિ અને પરિવારના અન્ય સભ્યો તરફથી પણ સુરક્ષા મળે છે. પરિણીત મહિલાઓ, અપરિણીત છોકરીઓ, લિવ-ઇન પાર્ટનર પણ આ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી શકે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રશ ભાંભી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી એમ.જી. વારસુર (મ.ન.પા), દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ (ગ્રામ્ય), આઈ.સી.ડી.એસના મુખ્ય સેવિકા બહેનો તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, આંગણવાડી તેડાગર બહેનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી અઝહરીને ATS હેડક્વાર્ટર લવાયો