ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વિધાનસભાના અધ્યક્ષના વરદ હસ્તે ડીસા ખાતે કરાઈ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી

  • ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે : શંકરભાઈ ચૌધરી

બનાસકાંઠા 15 ઓગસ્ટ 2024 :  વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટી.સી.ડી. ગ્રાઉન્ડ, ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની આન,બાન, શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લા વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યસરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યો હતો.

ક્રાંતિવીરોની શહાદતથી મોંઘામૂલી આઝાદી મળી

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતાં જણાવ્યું કે, અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘામૂલી આઝાદી મળી છે. જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વર્ષ ૨૦૪૭ મા આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે. ૨૦૪૭ વિકસિત ભારતના સંકલ્પ સાથે ‘લિવિંગ વેલ , અર્નિંગ વેલ’ ના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે.

ગ્રીન હાઇડ્રોજન થી આપણી પ્રગતિનું તોરણ બનશે

રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઇન અને ફેસલેસ થઈ છે. ગુજરાત સેમી કંડકટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આગમી સમયમાં ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે.નર્મદાના પાણી આપણા તળાવો સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદ થી અમદાવાદ છ લેન હાઇવે ની મંજૂરી આપી છે જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે. કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતો ને ૧૪૦૦ કરોડ ૨૬ લાખ મળ્યા છે. આજે આપણું રણ સૌર ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન થી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે. અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે. નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રમતવીરો માટે આશાનું કિરણ છે. ૨૪૭ કરોડના ખર્ચે જિલ્લામાં ચાર શહેરોમાં વીજ લાઈન અંડર ગ્રાઉન્ડ થશે.

વિશ્વની સૌ પ્રથમ કાઉડંગ મોબોલિટીની શરૂઆત આપણા જિલ્લામાં થઈ

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે. બાયો સી. એન. જી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે. વિશ્વની સૌ પ્રથમ કાઉડંગ મોબોલિટીની શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે. દેશમાં ૨૩.૬૦ મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છીએ. જિલ્લો આજે શૈક્ષિણક રીતે સક્ષમ બની રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગીધ બનાસકાંઠામાં છે જે આપણી જૈવિક વિવિધતા દર્શાવે છે. અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા વૃક્ષારોપણ અભિયાન અને સીડબોલ થી સારા પરિણામ મળી રહ્યા છે. જળ સંચય સમયની માંગ છે. જળ બચવવા આપણે સાથે મળી કામ કરવું જોઈએ. તેમજ જમનીને બચાવવા ઝેરમુક્ત ખેતી અપનાવવાના અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી , અનિકેતભાઇ ઠાકર, કલેકટર વરુણ કુમાર બરન વાલ, જિલ્લા વિકાસ અધિકારીએમ.જે. દવે, પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, અગ્રણી ગોવભાઈ રબારી, પદાધિકારીઓની, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દળના જવાનો, જી.આર.ડી, હોમ ગાર્ડસના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ચોટીલાની તિરંગા યાત્રામાં સાવરકરની ટી-શર્ટનો વિવાદ, કોંગ્રેસના નેતાઓ સામે ગુનો નોંધાયો

Back to top button