અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULE : સુરતના ગોઝારા કાર અકસ્માતમાં બાળકીનું પણ મોત, વોટર કેટેગરીમાં રાજકોટ ત્રીજા ક્રમે, જાણો કેમ જવાહર પોઈન્ટ શબ્દ ટ્રેન્ડિંગમાં

અમદાવાદમાં એકસાથે નવા 12 ચાર્જિંગ સ્ટેશન લગાવાશે
તમે ઇવી લેવા જઇ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં હવે તમને એકસાથે નવા 12 ચાર્જિંગ સ્ટેશન મળવા જઈ રહ્યા છે. પહેલીવાર ફ્રી ચાર્જિંગ કરી આપવામાં આવશે. જ્યારે 5 ચાર્જિંગ સુધી 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એક અંદાજ મુજબ અમદાવાદમાં એક વર્ષમાં ઇવી વાહનોની સંખ્યામાં 3થી 4 ગણો વધારો થશે. ત્યારે ભવિષ્યના આયોજનને ધ્યાને રાખીને અમદાવાદ મનપાએ આગોતરૂ આયોજન કર્યું છે.અમદાવાદ મનપા PPP ધોરણે ઈલેક્ટ્રીક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા જઇ રહ્યું છે. AMCએ કુલ 24 ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાંથી હાલમાં 12 સ્ટેશન પર કામ ચાલી રહ્યું છે. 12 સ્ટેશન કાર્યરત થયા બાદ આગળ જરૂરિયાત મુજબ બીજા સ્ટેશનોનું કામ શરૂ થશે. AMCએ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે ઈ-વેમ્પ નામની ખાનગી કંપનીને કામ સોંપ્યું છે. આ કંપનીનું મોબીલેન નામનું નેટવર્ક ઈલેક્ટ્રિક વાહનોનાં ચાર્જિંગ સ્ટેશન માટે કાર્યરત છે.

68 કલાક મોત સામે ઝઝૂમી દમ તોડ્યો
સુરતમાં ગત 23 ઓગસ્ટની રાતે 11.30 વાગ્યે ખજોદ ડાયમંડ બુર્સ નજીક એક કાર ડમ્પરની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. કાર સવાર, તેની પત્ની, એક બાળકી અને તેના મિત્ર સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં ઘટનાસ્થળે મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મહિલાનાં પતિના મિત્રની મોત થયું હતું. હાલ ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલી બાળકીએ પણ 68 કલાક મોત સામે લડત આપ્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. મહત્વનું છે કે,બંને પોલીસ કર્મચારીઓ ભરત બચુભાઈ ડાંગર અને મિત્ર હિતેન્દ્ર સિંહ ચાવડાએ સોનોગ્રાફી, એક્સ-રે કઢાવી બાળકીને આઇસીયુમાં દાખલ કરાવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોને જવાબદારી આપી ઘરે ગયા હતા. બાળકીને આઈસીયુમાં દાખલ કરાઈ હતી. જ્યાં 68 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. પત્ની અને દીકરીને ગુમાવી અમિત ભાંગી પાડ્યો હતો. આ અકસ્માત કેસમાં અમિત સામે જ ગુનો નોંધાયો છે.

લોકમેળામાં વોકીટોકીનો થશે ઉપયોગ
રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેસકોર્સ મેદાનમાં યોજાતો લોકમેળો. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન રાજકોટના રેસકોર્સ મેદાનમાં કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા.5થી 9 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજાશે. આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવી છે. જે માટે હરાજી પૂર્ણ થતા હવે લોકમેળા માટે મુખ્ય સ્ટેજ ડોમ અને સ્ટોલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ વખતે પ્રથમ વખત લોકમેળામાં ફરજ પર હાજર કર્મચારીઓને કોમ્યુનિકેશન માટે વોકીટોકી ફાળવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

કથિત વૈજ્ઞાનિક મિતુલ સામે FIR નોંધવા સામાજિક કાર્યકરની અરજી
ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સૌપ્રથમ પહોંચી સમગ્ર વિશ્વમાં ભારતે ડંકો વગાડ્યો છે. તેવા સંજોગોમાં ચંદ્રયાનની ડિઝાઇન પોતે તૈયાર કરી હોવાનો દાવો કરી સસ્તી પ્રસિદ્ધિ મેળવી સુરતીઓને ગેરમાર્ગે દોરનાર અડાજણમાં રહેતા કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ભારતીય ગૌરક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ ઉમરા પોલીસ મથકમાં અરજી કરી છે. અને જણાવ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે કથિત વૈજ્ઞાનિક કહેવડાવી સુરતીઓનું નામ ખરાબ કર્યું છે જેથી તેમને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ.

વોટર કેટેગરીમાં રાજકોટ મનપા સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમે
ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પિટિશન 2022 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેક્નોલોજીથી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ કરવામાં આવેલ “અટલ સરોવર” પ્રોજેક્ટ માટે મળેલો છે. આગામી તારીખ 27-28 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોર ખાતે યોજાનાર સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુના હસ્તે એવોર્ડ સુપરત થનાર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ આપી ચેતવણી
દુનિયાભરમાં કોરોના મહામારી દરમિયાન થયેલા નુકસાનને કારણે થયેલા ઘા હજુ રૂઝાયા નથી કે કોવિડના અન્ય એક પ્રકારે આરોગ્ય નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. આ તરફ હવે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક અગ્રણી અધિકારીએ માહિતી આપી હતી કે, BA.2.86 નામનો અત્યંત મ્યુટન્ટ કોવિડ-19 પ્રકાર મળી આવ્યો છે, જે પહેલા કરતા પણ વધુ ખતરનાક છે.

શું છે આ જવાહર પોઈન્ટ
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસથી સ્વદેશ પરત આવ્યા બાદ ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને બેંગલુરુ ખાતે આવેલા ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સૌથી પહેલા ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ.સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી અને ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું હતું. પીએમ મોદીના સંબોધન બાદથી જ જવાહર પોઈન્ટ શબ્દ સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. આખરે આ જવાહર પોઈન્ટ શું છે અને તેનું નામકરણ કેવી રીતે થયું, તે જાણવા માટે ઘણા લોકો ઉત્સુક છે. મહત્વનું છે કે, તે મિશન ચંદ્રયાન સાથે સંબંધિત છે. આ નામ ચંદ્રયાન-1 સમયે આપવામાં આવ્યું હતું અને હાલ સોશિયલ મીડિયા પર તેના વિશે ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે ભાજપ અને વિપક્ષના નેતાઓ ટ્વીટ કરી રહ્યા છે.

Back to top button