ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા વચ્ચે એક કટ્ટરપંથી બન્યા ધાર્મિક બાબતોના મંત્રી, જાણો કોણ છે 

  • વચગાળાની સરકારની રચના બાદ PM મોદીએ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ અને અન્ય લઘુમતી ગ્રુપ સામેની હિંસા પર ચિંતા વ્યક્ત કરી 

ઢાકા, 10 ઓગસ્ટ: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હવે નવી વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. શેખ હસીનાની સરકાર પડી ભાંગતા ત્યાં રહેતા હિન્દુઓ અને અન્ય લઘુમતી ગ્રુપ પર હિંસાનું પ્રમાણ વધી ગયું છે. જેના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં નવી સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ કરી રહ્યા છે. બાંગ્લાદેશની નવી સરકારમાં અન્ય 16 સભ્યોનો પણ સમાવેશ થાય છે જેમને જુદી-જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે. અન્ય 16 લોકોમાં જેમને સરકારનો હિસ્સો બનાવવામાં આવ્યો છે, તેમાંથી હાલમાં સૌથી વધુ જેની ચર્ચા થઈ રહી છે તે અબુલ ફૈયાઝ મોહમ્મદ ખાલિદ હુસૈન (AFM ખાલિદ હુસૈન) છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિન્દુઓ અને અન્ય લઘુમતી ગ્રુપ પર હિંસા વચ્ચે કટ્ટવાદી ખાલિદ હુસૈનને ધાર્મિક બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે.

મોહમ્મદ યુનુસ સરકારનું આ પગલું ઘણું કહી જાય છે

મહત્ત્વપૂર્ણ છે કે, ખાલિદ હુસૈનને બાંગ્લાદેશમાં મોટા કટ્ટરવાદી તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં એક કટ્ટરવાદીને ધાર્મિક બાબતોનો મંત્રી બનાવવા યોગ્ય છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. યુનુસ સરકારે જે સમયે ખાલિદ હુસૈનને આ જવાબદારી સોંપી, તેની ટાઈમિંગ પણ ઘણું કહી જાય છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા, PM નરેન્દ્ર મોદીએ, વચગાળાની સરકારની રચના પછી મોહમ્મદ યુનુસને સોશિયલ મીડિયા સાઇટ X પર અભિનંદન આપતા, બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા અને સલામતી માટે અપીલ કરી હતી. પરંતુ આ અપીલ પછી પણ યુનુસ સરકારે ખાલીદ હુસૈન જેવા કટ્ટરવાદીને આટલી મોટી જવાબદારી સોંપી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, યુનુસ સરકાર એવા લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ છે જેઓ લઘુમતીઓ પર અત્યાચારને પ્રોત્સાહન આપવાનો ઇતિહાસ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ગયા બાદથી ઈસ્લામિક કટ્ટરપંથીઓ હિન્દુઓ વિરુદ્ધ હિંસા કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, ઘણા વિસ્તારોના મંદિરોમાં તોડફોડ અને હિન્દુ સમુદાયના લોકોને નિશાન બનાવવાની ઘટનાઓ બહાર આવી છે.

આખરે કોણ છે આ AFM ખાલિદ હુસૈન?

AFM ખાલિદ હુસૈનને બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં સલાહકાર પણ બનાવવામાં આવ્યા છે. ખાલિદ હુસૈન ઇસ્લામિક કટ્ટરપંથી દેવબંદી મૌલાના છે. મળતી માહિતી મુજબ, ખાલિદ હુસૈન હિફાઝત-એ-ઈસ્લામ બાંગ્લાદેશ નામના સંગઠન સાથે સંકળાયેલા છે. આ સંગઠનનો ઈતિહાસ એવો છે કે તે હિન્દુ વિરોધી અને ખાસ કરીને ભારત વિરોધી વલણ અપનાવતું રહ્યું છે. હિફાઝત-એ-ઈસ્લામ બાંગ્લાદેશને અફઘાનિસ્તાન જેવું બનાવવા માંગે છે. આ સંગઠન હિન્દુ વિરોધી હિંસામાં સામેલ હોવાનો ઈતિહાસ ધરાવે છે. ખાલિદ હુસૈન આ સંગઠનના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ થોડા વર્ષો પહેલા સુધી આ સંગઠનના નાયબ વડા તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

શું બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે, વર્ષ 1951માં હિન્દુઓની વસ્તી લગભગ 22 ટકા હતી. પરંતુ 2011 સુધીમાં તે ઘટીને લગભગ 8.54 ટકા થઈ ગયું છે, તાજેતરમાં, મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશની 170 મિલિયન વસ્તીમાં હિન્દુઓની સંખ્યા લગભગ 8% છે. અહીં હિન્દુ સમુદાય વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે.

કટ્ટરપંથીઓ હિન્દુઓ પર હુમલા વધારી રહ્યા છે

બાંગ્લાદેશમાં સત્તાપલટો થયાં બાદ ત્યાં રહેતા હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં ઘણા મંદિરોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ જોવા મળી રહી છે. હિન્દુ સમુદાયના લોકો પર પણ હુમલા થઈ રહ્યા છે, અત્યાર સુધી ઘણી મહિલાઓ પર હુમલા અને હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ પાર્ટી સાથે જોડાયેલા બે હિન્દુ નેતાઓની હત્યાના અહેવાલો છે.

આ પણ જૂઓ: બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન, જાણો વિગતો

Back to top button