ટોપ ન્યૂઝનેશનલ

મુંબઈમાં અચાનક ચાર માળની ઈમારત ધરાશાયી, 20થી 25 લોકો કાટમાળ નીચે દટાયા

Text To Speech

નેશનલ ડેસ્કઃ મુંબઈના કુર્લામાં સોમવારે રાત્રે એક ચાર માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ ઘટના દરમિયાન બિલ્ડિંગમાં 20થી 25 લોકો દટાયા હતા. આમાંથી મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે. ઘટનાસ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, તે ખૂબ જ જર્જરિત છે અને લોકોને સ્થળાંતર કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

વાસ્તવમાં આ ઘટના મુંબઈના કુર્લાના નાઈક નગરની છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. ઘટનાની તસવીરો જાહેર કરતા ANIએ જણાવ્યું કે, આ ઘટના દરમિયાન 20થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.


હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાહત કામગીરીમાં મદદ માટે NDRFને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા છે. સાધનો સાથે NDRFના જવાનો કાટમાળ હટાવવામાં અને ઈમારતને કાપવામાં રોકાયેલા છે. પોલીસ-પ્રશાસનના અધિકારીઓ બચાવ કાર્ય પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

બીજી તરફ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, આ ચાર માળની ઈમારત ખૂબ જ જર્જરિત છે. આમાં રહેતા લોકોને બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં તેઓ બળજબરીથી ત્યાં રહેતા હતા. આ જ કારણ હતું કે ઈમારત ધરાશાયી થવાને કારણે લોકો તેની નીચે દટાઈ ગયા હતા.

તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે BMCએ આ ઈમારતને નોટિસ પાઠવી હતી ત્યારે તેને સ્વેચ્છાએ ખાલી કરી દેવી જોઈતી હતી. જો આમ કરવામાં આવ્યું હોત તો અકસ્માતની ઘટનામાં લોકોને નુકસાન ન થયું હોત. અમે આવી જર્જરિત ઇમારતો શોધી કાઢીશું અને તેના પર કાર્યવાહી શરૂ કરીશું, જેથી ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય.

Back to top button