મુંબઈ એરપોર્ટ પર 2.45 કરોડના ડ્રગ્સ સાથે એક વિદેશી મહિલાની ધરપકડ
- 39 વર્ષીય વિક્ટોરિયા ઓકાફોર નામની મહિલા મુંબઈથી દિલ્હી જઈ રહી હતી
- મહિલા પર શંકા જતા તેના સામાનની તપાસ કરવામાં આવી હતી
- 20 કેપ્સ્યુલ્સમાંથી કુલ 350 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું
મુંબઈ, 10 ડિસેમ્બર: મુંબઈ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા 39 વર્ષીય નાઈજિરિયન મહિલાની આશરે ₹2.45 કરોડની કિંમતની 350 ગ્રામ માદક દવાઓની હેરાફેરી કરવા બદલ બદલ ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલાએ ડ્રગ્સની 20 કેપ્સ્યુલ બનાવી હતી અને તેને પોતાના અન્ડરગાર્મેન્ટ્સમાં છુપાવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, 39 વર્ષીય વિક્ટોરિયા ઓકાફોર નામની મહિલા મુંબઈથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે મુંબઈના CSMI એરપોર્ટ પર મહિલા પર શંકા જતા તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. ત્યારે અમને તેના અન્ડરગાર્મેન્ટ્સમાં છુપાવેલા બે પાઉચમાં રાખવામાં આવેલા 20 કેપ્સ્યુલ્સમાંથી કુલ 350 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. ત્યારબાદ તે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં મહિલા દિલ્હીના શાહપુરામાં રહેતી હોવાની માહિતી મળી છે.
વિક્ટોરિયા ઓકાફોર આજીવિકા માટે કપડાનો વેપાર કરે છે. તેણે સ્વીકાર્યું કે, તેને નાલાસોપારામાંથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને તે ડ્રગ્સને દિલ્હી લઈ જવાનું હતું. આ માટે તેને રૂપિયા 50,000 ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઓકાફોર પર નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 અનુસાર વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મહિલાની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી હતી કારણ કે તપાસ પ્રાથમિક તબક્કે છે અને તેણે અમને કેટલાક નામો અને સાંઠગાંઠ વિશેની માહિતી આપી છે જેની ચકાસણી અને તપાસ કરવાની જરૂર છે. કોર્ટે વિક્ટોરિયા ઓકાફોરને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો, પ્રશાંત મોહંતીઃ નામથી ઉડિયા, કામથી ગુજરાતી કે સવાયા ગુજરાતી?