મુંબઈથી દોહા જતી ફ્લાઈટ રદ્દ થઈ, 300થી વધુ મુસાફરો અટવાયા
મુંબઈ, 15 સપ્ટેમ્બર : મુંબઈથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1303 ટેક્નિકલ સમસ્યાઓના કારણે રવિવારે ઘણા વિલંબ પછી રદ કરવામાં આવી હતી. ટેક ઓફ કરવાના અનેક પ્રયાસો છતાં લાંબા વિલંબને કારણે એરલાઈને ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, આ ફ્લાઈટમાં 250 થી 300 મુસાફરો હતા, જેઓ મુંબઈ એરપોર્ટ પર ફસાયેલા છે. આ ફ્લાઈટ સવારે 3.55 વાગ્યે ઉપડવાની હતી.
એરલાઇનના પ્રવક્તાએ ફ્લાઇટ રદ કરવા બદલ માફી માંગી હતી અને કહ્યું હતું કે મુસાફરોને હોટલોમાં સમાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તેમને તેમના અંતિમ મુકામ પર લઈ જવા માટે અન્ય ફ્લાઇટ્સ પર બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. અગાઉ, જ્યારે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, ત્યારે મુસાફરોને ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થતાં પાંચ કલાક માટે પ્લેનમાં બેસવાનું કહેવામાં આવ્યું હતું. મુસાફરોને પ્લેનમાંથી ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
આખરે પ્લેનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે મુસાફરોને નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું અને એરપોર્ટના હોલ્ડિંગ એરિયામાં રાહ જોવી પડી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ફસાયેલા મુસાફરોનો આરોપ છે કે તેમને કોઈ ખોરાક કે પાણી આપવામાં આવ્યું ન હતું અને કોઈ એરલાઈન્સ અધિકારી તેમની સાથે વાત કરવા પણ તૈયાર ન હતા. શુક્રવારે મુંબઈથી ફૂકેટ જતી ઈન્ડિગોની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે મલેશિયાના પેનાંગ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઈને આ જાણકારી આપી હતી.