ઈન્દોરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી છે. વિજય નગર વિસ્તારમાં એક ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. આગ એટલી ભીષણ હતી કે 7 લોકો જીવતા જ સળગી જતાં મોતને ભેટ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં 8 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ આગ કયા કારણસર લાગી હતી તે અંગે કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી.
આ ઘટના વિજયનગરના સ્વર્ણબાગ વિસ્તારની છે. મળતી માહિતી મુજબ મોડી રાત્રે એકાએક બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જ્યાં સુધીમાં લોકો કંઈ સમજે તે પહેલા આગે ભીષણ રૂપ લઈ લીધું હતું. આગની જાણ સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને કરી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ગાડીની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો પરંત ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતુ. બિલ્ડિંગની અંદર હાજર 7 લોકો જીવતા સળગીને મોતને ભેટ્યા હતા.
પ્રારંભિક તપાસમાં શોર્ટસર્કિટની આશંકા
આગની માહિતી મળ્યા બાદ પહોંચેલા અધિકારીઓએ આગ લાગવાના કારણની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આગની સુચના પછી આજુબાજુના ઘરો અને બિલ્ડિંગમાંથી લોકો રસ્તા પર આવી ગયા હતા. જો કે આગથી આજુબાજુના ઘરો કે બિલ્ડિંગને કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું.