અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના ચંડોળામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી, ત્રણ ગોડાઉનને ઝપેટમાં લીધા

Text To Speech

અમદાવાદ, 20 મે 2024, ગુજરાત ગરમીને કારણે અગનભઠ્ઠી બન્યું છે. ગરમીને કારણે અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં BRTS વર્કશોપની પાછળ આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી.ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી જોવા મળ્યા હતા.પવનને કારણે વધુ પ્રસરેલી આગ કેમિકલ અને ઓઈલના ત્રણેક ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.

આગની ઝપેટમાં એક બાદ એક એમ ત્રણ ગોડાઉન આવ્યાં
ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 6 વાગ્યે શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલા બીઆરટીએસ વર્કશોપની પાછળના ભાગે કેમિકલ અને પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ લાગી હતી જે પવનને કારણે વધુ ફેલાઈ ગઈ હતી.ફાયર બ્રિગેડના ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 30થી વધુ ફાયરના જવાનો 10થી વધુ ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ એટલી ઝડપી ફેલાઈ ગઈ હતી કે, ગોડાઉનની બાજુમાં આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉન તેમજ બળેલા ઓઇલના ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી.

આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ત્રણ ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે ચારેય તરફથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી. આગની ઘટનામાં બળેલા ઓઇલનું ટ્રેડિંગનું ગોડાઉન, પ્લાસ્ટિકના અને સ્ક્રેપના ડ્રમ, ઓઇલ વગેરે બળીને ખાખ થયું હતું. સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ, કટીંગ મશીન વગેરેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

4 લાખનો સામાન બનીને ખાખ
શહેરના ચંડોળા વિસ્તારમાં બીઆરટીએસ વર્કશોપની પાછળની અલફઝલ એસ્ટેટમાં આવેલા બળેલા ઓઇલ ટ્રેડિંગના ગોડાઉન નંબર 802 અને 803 માં આકસ્મિક કારણોસર વિકરાળ આગ લાગી હતી. બંને ગોડાઉનમાં કુલ મળીને ચાર લાખથી વધુનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.બનાવ અંગે ફાયર વિભાગની ટીમે જણાવ્યું હતું કે આગ લાગવાનો મેસેજ મળતા તાત્કાલિક ધોરણે ત્રણ ઓફિસર વ્હીકલ, 1 DO, 2 STO સહિત 30 થી વધુનો સ્ટાફ, મીની ફાયર ફાઈટરની ત્રણ લાઈન, ગજરાજની બે મોટી લાઈન સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબુ કરવાનો પ્રયાસ કર્યો હતો.ગોડાઉન નંબર 803નાં માલિક જાવેદ રફીકભાઈ મેમણને ત્યાં અંદાજિત એક લાખ જેટલી રકમનું નુકસાન થયું હતું.તેમજ ગોડાઉન નંબર 802 ના માલિક મનીષ રફીકભાઈ મેમણને ત્યાં અંદાજિત 3 લાખ જેટલી રકમનું નુકસાન થયું હતું. જ્યાં સ્ક્રેપ બેરલ લાવીને ત્યારબાદ કાપીને એનું સ્ક્રેપ કરીને વેચવાનું કામ કરવામાં આવે છે. તેમને ત્યાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ, કટીંગ મશીન વગેરેમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને કાબુમાં કરીને વધુ નુકસાન થતા બચાવી લેવાયું હતું.

આ પણ વાંચોઃઅમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસના નવમા માળે ઈલેક્ટ્રિક ડગમાં આગ લાગી

Back to top button