સુરતના કેનાલ રોડના વનમાળી જંક્શન પાસેના ગોડાઉનમાં મળસ્કે ધડાકાભેર આગ ફાટી નીકળી, 4 કરોડથી વધુના નુકસાનનો અંદાજ
સુરતઃ પુણા-સારોલી રોડ પર વનમાળી બીઆરટીએસ જંકશન પાસે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. સવારે 4 વાગ્યા આસપાસ કેમિકલના ગોડાઉનમાંથી પ્રસરેલી આગ બાજુમાં એફએમસીજીના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. જેથી બિસ્કીટ અને ઠંડા પીણાનો અંદાજે સાડા ત્રણ કરોડથી વધુનો જથ્થો બળીને ખાક થયો હતો. કુલ ચાર કરોડથી વધુ રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. કેમિકલના ગોડાઉનમાં ધડાકાભેર લાગેલી પર કાબૂ મેળવવા 7 ફાયર સ્ટેશનની 13 ગાડીઓએ 5 કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.
આસપાસમાં ડરનો માહોલ ફેલાયો
કેમિકલના ગોડાઉનમાં આગ લાગતાં ધડાકા થવા લાગ્યા હતાં. સવારે ચાર વાગ્યા બાદ આગ લાગતા આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. વરસતા વરસાદમાં પણ કેમિકલના ગોડાઉનમાં આગ લાગતાં આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ હતી.
ગેરકાયદેસર રીતે ગોડાઉન ચાલતું હતું
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પ્રકાશ મારવાડી નામના વ્યક્તિનું ગેરકાયદેસર કેમિકલનું ગોડાઉન ચાલતું હતું. જે અંગે અગાઉ તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. કેમિકલના ગોડાઉનમાં કોઈ જ ફાયર સેફ્ટીની સુવિધા નહોતી. જેથી હાલ ફાયરબ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી બાદ નોટિસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
બિસ્કીટનો જથ્થો સળગી ગયો
પ્રોલાઈન સેલ્સ એજન્સીના માલિક ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘વહેલી સવારે ચાર વાગ્યા બાદ આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતાં. શટર ખોલ્યું તો આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડને જાણ કરી હતી. બાદમાં જાણવા મળ્યું કે કેમિકલ ગોડાઉનમાંથી આગ લાગ્યાનું સામે આવ્યું હતું. અમારા ગોડાઉનમાં બિસ્કીટ અને ઠંડા પીણા સહિતનો અંદાજે સાડા ત્રણ કરોડનો સામાન બળીને ખાક થઈ ગયો છે.’
આગ પર કાબૂ મેળવ્યો
ફાયરબ્રિગેડના સબ ઓફિસર મનોજ શુકલાએ જણાવ્યું હતું કે, ‘ફાયરબ્રિગેડને કોલ મળતાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. સાત ફાયર સ્ટેશનની 13થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. કેમિકલમાં આગ લાગી હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી સર્જાઈ હતી. જો કે આગમાં કોઈ ઈજા જાનહાનિનો બનાવ નથી. ગોડાઉન બંધ હતા ત્યારે આગ લાગી એટલે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેમ કહી શકાય છે. જો કે તપાસ ચાલુ છે અને કેમિકલના ગોડાઉનમાં કોઈ ફાયર સેફ્ટી જોવા મળી નહોતી.’
કબૂતરોનું રેસ્ક્યુ કરાયું
એનિમલ ક્રાઈમ કન્ટ્રોલના પ્રતિક કપૂરીયાએ જણાવ્યું હતું કે, ‘આગ લાગ્યા બાદ ગોડાઉન ઉપર અને આસપાસ ઘણા પક્ષીઓનાં માળા હતાં. જેમાં ઘણા કબૂતરનાં મોત થયા હતાં. જ્યારે અમે 100થી વધુ કબૂતરોનું રેસ્ક્યૂં કર્યું હતું. જ્યારે બે બિલાડીના બચ્ચાને પણ બચાવી લેવામાં આવ્યાં છે.’