અમદાવાદ, 5 જાન્યુઆરી 2024, શહેરના ઘોડાસર વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. એક ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈ જતાં અન્ય ત્રણ ગાડીઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગને કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ વહેલી સવારે ફાયરબ્રિગેડને કોલ કરતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
રહીશો દોડીને બહાર નીકળી જતાં જાનહાની ટળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર સ્થિત આલોક પુષ્પક બંગ્લોઝમાં પાર્ક કરેલી એક ગાડીમાં અચાનક વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. એક ગાડીમાં લાગેલી આગ વધુ પ્રસરતાં નજીકમાં પાર્ક કરેલી અન્ય ગાડીઓને પણ ઝપેટમાં લઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે છેક બંગલા સુધી પહોંચી ગઈ હતી. રહીશો દોડીને બહાર નીકળી જતાં જાનહાની ટળી હતી. સ્થાનિકોએ ફાયરવિભાગને આગની જાણ કરતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી.
આગ એટલી વિકરાળ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી
ઇસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર શંકરભાઈ ચૌધરીના ઘરની પાછળના ભાગે જ આવેલી લાઈનમાં ગાડીઓમાં આગ લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગ લાગી હોવાની જાણ થતાં તાત્કાલિક દોડી ગયા હતા. સોસાયટીના સ્થાનિક રહીશો સાથે મળીને જ્યાં આગ લાગી હતી ત્યાં બાજુમાં પાર્ક કરેલી અન્ય ગાડીઓને પણ તાત્કાલિક ખસેડી લઈ બીજી ગાડીઓ આગની ઝપેટમાં આવતી બચાવી લીધી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી. સ્થાનિક રહીશો તો પહેલા જ બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચોઃ કચ્છમાં 4.1ની તિવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિંદુ ધોળાવિરાથી 59 કિ.મી દૂર નોંધાયુ