વલસાડમાં ટ્રેનની અડફેટે 21 ગાયોના મોત, ઘટનાને પગલે અરેરાટી વ્યાપી
વંદે ભારત ટ્રેનના અકસ્માતને હજુ ઝાઝો સમય પણ નથી થયો ને વલસાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વલસાડ ડિવિઝનના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 21 જેટલી ગાયોના કરુણ મોત નીપજ્યા છે. વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચેની આ ઘટના બની હતી જેમાં 21 જેટલી ગાયોના મોતની જાણ થતા સ્થાનિક તંત્ર અને ગૌપ્રેમીઓ ઘટના દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ડુંગરી અને જોરાવાસણા વચ્ચે રેલવેના અપ-ડાઉન ટ્રેક પર આ ઘટના બની હતી જ્યાં ટ્રેને ગાયોને અડફેટે લેતા 21 ગાયોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાને પગલે ગૌપ્રેમીઓમાં રોષ
વલસાડના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચેની આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને ગૌપ્રેમીઓ સહિત પોલિસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 21 ગાયોનાં મોત થતા ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. તેમજ ગયા વર્ષે પણ ટ્રેનની અડફેટે 10 જેટલી ગાયોના મોત થયા હતા.
બે દિવસ પહેલા જ અકસ્માતની ઘટના
બે દિવસ પહેલાં જ વંદે ભારત ટ્રેને એક ભેંસ અને ત્યાર બાદ ગાયને અડફેટે લીધી હતી જે ઘટના હજુ તાજી છે ને વલસાડમાં 21 ગાયોના ટ્રેનની અડફેટે મોત નિપજ્યા છે. ત્યારે વંદે ભારતની ઘટનામાં પહેલાં દિવસે મણિનગર-વટવા રેલવે સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી. તેના બીજા દિવસે આણંદ અને બોરીયાવી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો:નવી શરૂ થયેલી ‘વંદે ભારત ટ્રેન’ને અમદાવાદ નજીક નડ્યો અકસ્માત, જુઓ વિડીયો