ગુજરાતમધ્ય ગુજરાત

નશીલી સિરપ બાદ નડિયાદમાં GIDC ખાતે ઝેરી કેમિકલ પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

નડિયાદ, 19 ડિસેમ્બર 2023, ખેડાના બિલોદરા ગામના નશાકારક સિરપકાંડ બાદ હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ સ્થિત GIDCમાં ચાલતા આ ગેરકાયદે ધમધમતા વેપલાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવાતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેમિકલનો ઉપયોગ તાડી બનાવવા માટે થતો હતો
SOGને બાતમી મળી હતી કે, નડિયાદમાં કમળા રોડ પર સ્થિત જીઆઇડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તેનું અન્ય કેમિકલના નામે ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરવામાં આવે છે. આ કેમિકલનો ઉપયોગ તાડી બનાવવા માટે થતો હોય છે. જેથી પોલીસે ગત રોજ દરોડો પાડ્યો હતો. જ્યાંથી ફેક્ટરી વાળી જગ્યાના મૂળ માલિક મળી આવ્યા હતા. આ શેડ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રહેતા પ્રકાશ જેઠાભાઈ ગોપવાણીને ભાડે આપેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે શટરનો દરવાજો ઉંચો કરી જોતા બે ભાગમાં કેમિકલ ભરેલા મોટા બેરલો પડ્યા હતા. બાજુના હોલમાં મશીનરી ગોઠવેલ હતી.

એફએસએલના અધિકારીઓએ કેમિકલની ચકાસણી કરી
આ બેરલોમાં કયા પ્રકારનું કેમિકલ ભરાયું છે તેની ચકાસણી માટે એફએસએલના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા. એફએસએલે આ સીલ બંધ બેરલોનો પ્રવાહી તેમજ ઉત્પાદન કરેલ પીળાશ પડતા પાવડરનું પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં આ પાવડર નશાકારક ડુપ્લીકેટ તાડી બનાવવા માટે વાપરવામાં આવતો હોવાનું જણાય આવ્યું હતું.દરમિયાન ફેક્ટરીમાં નોકરી કરતા બે નોકરોની પુછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાતં પોલીસે ઓફિસના ટેબલોના ડ્રોવરમાં અલગ અલગ ફાઈલોમાં દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં આ યુનિટ પ્રકાશ જેઠા ગોપવાણીના નામે ચાલતું હોવાનું ઘટસ્ફોટ થયો હતો.

પોલીસે કુલ 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
આ પાવડર પણ મુંબઈ ખાતે વેચવામાં આવતો હતો. ફેક્ટરીમાંથી અગત્યના ડોક્યુમેન્ટ્સ, રો મટીરીયલ્સ, ફાઇનલ પ્રોડક્ટ સહિત 19 લાખનું કેમિકલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રકાશે બિલમાં પણ અલગ અલગ નામ દર્શાવ્યા છે. આ પાવડરનું અહીંયા ઉત્પાદન કરાતું અને મુંબઈ મહારાષ્ટ્રમાં વેચાતું હતું. પોલીસે આ નેટવર્કને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં અન્ય વ્યક્તિઓ પણ મળી આવશે. પ્રકાશે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જીઆઇડીસીના કોઈ લાઇસન્સ લીધા ન હતા. GPCB કે GIDCના લાયસન્સ લીધા વગર જ યુનિટ ધમધમતું હતું.

આ પણ વાંચોઃ GST બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા વધુ એક પ્રયાસ

Back to top button