એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગવિશેષ

દોઢ દાયકો વીત્યો પણ આજેય એ ગુરૂજીઓ સાથે આત્મીયતા અકબંધ છે

[પાર્થ ધોકિયા] રાજકોટ, 5 સપ્ટેમ્બર : આજે શિક્ષક દિવસ છે. દરેકના જીવનમાં એક એવા શિક્ષકનું આગમન થયું જ હોય છે જેના લીધે કોઈપણ વ્યક્તિ સફળતાની સીડી સુધી પહોંચતો હોય છે. મારે પણ આવા જ એક ગુરૂ વિશે તમારી સાથે વાત કરવી છે.

મારૂ મૂળ વતન જામનગર જિલ્લો છે. હાલમાં અમે રાજકોટમાં વસવાટ કરીએ છીએ. અગાઉ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેં જામનગર શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં લીધું છે. અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી શાળા હોવાથી શિક્ષકોને દીદી અને ગુરૂજી તરીકે સંબોધન કરી બોલાવવામાં આવતા હોવાથી શરૂઆતમાં તો થોડું અજીબ લાગતું હતું પણ સમયાંતરે ટેવ પડી ગઈ હતી.

શરૂઆતમાં મારાં લખાણના અક્ષરો ગાંધીજીના અક્ષરો જેવા હોવાથી શિક્ષકો બહુ ખીજાતા હતા. ત્યારે એમ થતું કે સાલું અભ્યાસ જ મૂકી દેવો છે, પણ પછી મારા અન્ય સાથીઓના પરીક્ષાના માર્ક્સ જોઈને એમ થતું કે અક્ષર સુધારવા જોઈએ હોં. અને એટલે જ ટેવ પાડી કે કોઈ સારા શિક્ષક પાસેથી આ અંગેનું જ્ઞાન લેવું. તેમાં અમારી શાળાના શિલ્પાબેન જોષી જેમના અક્ષર મોતીના દાણા જેવા હતા તેમની પાસેથી શીખવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે લગભગ ચારેક મહિના પછી લખાણમાં સુધારો થવા લાગ્યો. ત્યારથી તેમની સાથે લગાવ બંધાઈ ગયો હતો અને તેમની પાસેથી સારા અક્ષર કરવાનું જ્ઞાન મેળવ્યા બાદ ભાષા, ગણિત સહિતના વિષયો ઉપર સારું જાણવા અને શીખવા મળ્યું હતું. ત્યારબાદ તેઓ પણ સરકારી શાળાએ નોકરી ઉપર લાગી ગયાં હતાં, પણ આજેય જ્યારે કોઈ પ્રસંગે કે રસ્તામાં તેઓ મળી જાય તો એટલા જ પ્રેમથી તેમને માથું ઝુંકાવી પગે લાગી જ્યારે નમસ્તે કરતો તો એક જુદા જ લગાવથી તેઓ માથે હાથ ફેરવે તો પ્રેમ અને લાગણીનો  અલગ જ અનુભવ થતો હતો.

આ પછી મારા બીજા શિક્ષક હતા શ્રી પરેશભાઈ અકબરી. જેઓ અમને ગણિત અને વિજ્ઞાન જેવું વિષયો શીખવતા હતા. આ માણસ આમ નિખાલસ હતા પણ ભણાવવામાં એટલા જ કડક હતા. ગણિત અને વિજ્ઞાન આમ તો અણગમતા વિષય હતા પણ તેઓ જ્યારે આવે ત્યારે અમે જાણે આ વિષયોમાં એવોર્ડ લઈ લેવાના હોય એમ તેમની પાસેથી શીખતા હતા. અફસોસ કે તે એવોર્ડ અમે લઈ શક્યા ન હતા. પરંતુ આજે જ્યારે દોઢ દાયકા પછી પણ તેઓ રસ્તા ઉપર ભેટી જાય તો તેમને નામથી જ બોલાવવાના સંબંધના લીધે તેમની સાથે પહેલા જેવી જ આત્મીયતા બંધાયેલી છે.

મારા અભ્યાસકાળમાં આમ તો ઘણાં શિક્ષકોએ મને આગળ વધવામાં મદદરૂપ બન્યા છે પણ આ બે શિક્ષક સાથેની આત્મીયતા જેટલી કોઈની પણ સાથે થઈ નથી.

આ પણ વાંચોઃ ખૂબ પ્રેમાળ હતા એ શિક્ષકો, પરંતુ અફસોસ કે સંપર્કો છૂટી ગયા

Back to top button