કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમીડિયા

ભાવનગર SDMના નામે ₹15 લાખનો સોદો!, કથિત લાંચના વાઈરલ વીડિયોથી તંત્રમાં દોડધામ

Land Deal Scam Exposed | ભાવનગર વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક SDMના નામે ₹15 લાખની કથિત લાંચની લેતીદેતીનો ઓડિયો-વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વાઈરલ ક્લિપમાં એક શખ્સ, જે અધિકારીનો ડ્રાઈવર હોવાનું મનાય છે, તે ખુલ્લેઆમ સોદાબાજી કરતો સંભળાય છે. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, “સાહેબ 13 લાખમાં સહમત નથી અને 15 લાખની માંગ કરી રહ્યા છે.” વધુમાં તે ખાતરી આપે છે કે એકવાર તે ‘લીલીઝંડી’ આપી દે, એટલે માત્ર બે-ત્રણ દિવસમાં જ સત્તાવાર ઓર્ડર કરી દેવામાં આવશે. આ વીડિયો જાહેર થતાં જ સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારના નેટવર્ક પર ગંભીર સવાલો ઊભા થયા છે અને ઉચ્ચ સ્તરે તપાસના આદેશો છૂટ્યા છે.

કાયદા મુજબ અશાંતધારા હેઠળના વિસ્તારોમાં વહીવટી મંજૂરી અનિવાર્ય

ભાવનગરના અશાંતધારો અમલી હોય તેવા સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતની તબદીલીને લઈ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરના મુખ્ય ક્રેસન્ટ સર્કલ વિસ્તારમાં આવેલી આઠ જેટલી દુકાનોના ખરીદ-વેચાણ માટે તંત્રની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કાયદા મુજબ અશાંતધારા હેઠળના વિસ્તારોમાં વહીવટી મંજૂરી અનિવાર્ય હોય છે, ત્યારે આ મંજૂરી અપાવવાના બદલામાં મહિલા પ્રાંત અધિકારીના આઉટસોર્સિંગ ડ્રાઈવરે લાખો રૂપિયાની કથિત માંગણી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સોદાબાજી અંગેના કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વહીવટી આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ડ્રાઈવર સત્તાવાર મંજૂરી અપાવવા માટે વચેટિયા તરીકેની ભૂમિકા ભજવી રહ્યો હતો, જેના કારણે હવે સમગ્ર મંજૂરી પ્રક્રિયા શંકાના દાયરામાં આવી ગઈ છે.

ભાવનગરના કથિત લાંચ પ્રકરણમાં વિવાદ વકરતા મહિલા પ્રાંત અધિકારી પ્રતિભા દહિયાએ મૌન તોડ્યું છે અને આ મામલે પોતાનું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. SDMએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયો દ્વારા જ તેમને આ ઘટનાની જાણ થઈ હતી. વીડિયોમાં દેખાતો શખ્સ તેમનો આઉટસોર્સિંગ ડ્રાઈવર મોમીન હોવાનું તેમણે સ્વીકાર્યું છે, પરંતુ સાથે જ ઉમેર્યું છે કે ડ્રાઈવર માત્ર ગાડી ચલાવવાનું કામ કરે છે અને તેની સાથે કોઈ પણ પ્રકારની અંગત કે વહીવટી ચર્ચાઓ કરવામાં આવતી નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

વધુમાં, પ્રતિભા દહિયાએ જણાવ્યું કે ડ્રાઈવર કઈ ચોક્કસ ફાઈલ કે મિલકતના સોદા માટે નાણાંની માંગણી કરી રહ્યો હતો, તે બાબતે અત્યારે તેમની પાસે કોઈ સત્તાવાર માહિતી નથી. આ ભ્રષ્ટાચારનો મામલો કોઈ એક ફાઈલ પૂરતો મર્યાદિત છે કે તેમાં અન્ય ફાઈલો પણ સંડોવાયેલી છે, તે જાણવા માટે વહીવટી સ્તરે તપાસ તેજ કરી દેવામાં આવી છે. અધિકારીએ ભારપૂર્વક કહ્યું કે ડ્રાઈવર ભલે તેમનું નામ લઈ રહ્યો હોય, પરંતુ આ વ્યવહાર સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને આઉટસોર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આ કૃત્ય સામે કડક વલણ અપનાવવામાં આવશે.

આ પણ વાંચો:Share Market Rise: સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 23,800 ની સપાટી વટાવી

Back to top button