મૃત્યુ પામેલા BJP નેતા થયા જીવતા; ઘરમાં હતો માતમનો માહોલ ત્યારે મૃતદેહમાં આવ્યો જીવ
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા શહેર સ્થિત એક હોસ્પિટલમાં બીજેપીના પૂર્વ જિલ્લાધ્યક્ષ મહેશ બઘેલની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન ડોક્ટરોએ બઘેલને મૃત જાહેર કરી દીધા હતા. પરંતુ અડધા કલાક પછી માતમ વચ્ચે સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો હતો. પૂર્વ જિલ્લાધ્યક્ષ બઘેલના શ્વાસ ચાલવા લાગ્યા હતા. તેઓ એકાએક મૃત અવસ્થામાંથી બહાર આવી ગયા અને બીજી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અનેક દિવસોથી બિમાર હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીજેપીના વરિષ્ઠ નેતા મહેશ બઘેલ પાછલા અનેક દિવસોથી બિમાર હતા. પરિવાર તેમને શહેરના રાજામંડી સ્થિત એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. પરંતુ બઘેલની સ્થિતિ પ્રતિદિવસ બગડી રહી હતી. જે પછી પરિવાર તેમને પુષ્પાજંલિ હોસ્પિટલમાં લઈ ગયા. 6 ઓગસ્ટે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. તે પછી પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા. આ દરમિયાન સ્વભાવિક છે કે, ઘરમાં માતમનો માહોલ છવાઈ જ જાય છે. તેમના પરિવારના સભ્યો રડી રહ્યાં હતા. ત્યારે અચાનક મહેશ બઘેલના મૃતદેહમાં હલનચલન થવા લાગે છે. તે પછી પરિવારના સભ્યો તેમને આગ્રાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈને પહોંચે છે. જ્યાં વઘેલની સારવાર ચાલી રહી છે.
પરિવારે ગણાવ્યો ચમત્કાર
આ ઘટનાને લઈને મહેશ બઘેલના ભાઈ રાજેન્દ્ર સિંહ બઘેલે મીડિયાને જણાવ્યું કે, તેમના પગમાં ઈજા થઇ હતી, તેના કારણે તેમના શરીરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમને ડિસ્ચાર્જ કરવાના હતા ત્યારે જે તેમને હાર્ડ એટેક આવ્યો હતો. તે પછી તેમને પુષ્પાંજલિ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા હતા. ત્યાં તેમને બે દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, તે પછી ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. રાજેન્દ્રએ જણાવ્યું કે, જ્યારે તેમના મૃતદેહને ઘરે લઈ ગયા ત્યાર પછી બઘેલે હાથ હલાવ્યો અને શ્વાસ લીધો. જે પછી તેમને ફરીથી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. રાજેન્દ્ર આગળ કહે છે કે, આ ભગવાનનો ચમત્કાર છે.
પૂર્વ જિલ્લાધ્યક્ષ બઘેલની પત્ની કમલાએ જણાવ્યું કે, હોસ્પિટલથી તેમને ઘરે લાવ્યાના થોડા જ સમયમાં તેઓ ફરીથી શ્વાસ લેવા લાગ્યા હતા. ઈશ્વરે તેમને જીવનદાન આપ્યું છે. આખું પરિવાર ખુશ છે.
મહેશ બઘેલની તબિયત સારી થવા પર બીજેપી નેતાઓ વચ્ચે ખુશીનો માહોલ છે. સાથે જ કેટલાક લોકોએ ડોક્ટરો ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, ડોક્ટરોએ બેદરકારી દાખવી છે. આની તપાસ થવી જોઈએ. કોઈ જીવતા વ્યક્તિને મૃત કેવી રીતે જાહેર કરી શકે છે.