વડોદરાના બાજવા ગામમાં એક ગાયે રાહદારીને અડફેટે લીધા, લોહીલુહાણ રાહદારીને લોકોએ બચાવ્યા
વડોદરાઃ વડોદરામાં ફરી એકવખત રખડતાં ઢોરના ત્રાસ જોવા મળ્યો છે. શહેર નજીક આવેલ બાજવા ગામે ગાયે એક રાહદારીને અડફેટે લીધા હતા. બાજવા ગામમાં રસ્તે રખડતી એક ગાયે યમદૂત બની ચાલતા જતા રાહદારીને શિંગડે ભેરવી જમીન ઉપર પછાડી રગદોળ્યા હતા.
ગાયની અડફેટે આવેલા રાહદારીને બચાવવા માટે ગામના કેટલાક યુવાનો લાકડીઓ લઈને મદદે આવ્યા હતા અને રાહદારીને બચાવ્યા હતા. આ બનાવને પગલે બાજવા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત રાહદારીને બાજવા ખાતેના સરકારી દવાખાને લઈ જવાયા હતા.
વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રસ્તે રખડતી ગાયો અને શ્વાનનો ત્રાસ વધી ગયો છે. આજે બાજવા ગામમાં રહેતા બાબુભાઈ નામની વ્યક્તિ ચાલતા જતા હતા ત્યારે અચાનક હુમલો કરી તેમને ગાયે શિંગડે ભેરવી જમીન ઉપર પછાડયા હતા. જેથી તેમને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ બનાવને નજરે જોનાર કેટલાક યુવાનો લાકડીઓ લઈને રાહદારીને બચાવી લીધા હતા. તેમને સારવાર માટે બાજવા ખાતેના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. ગાયના આતંકથી બાજવા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ બનાવને પગલે રોષે ભરાયેલા રહીશોએ વોર્ડ નં.8 અને 9ના ગોપાલકો ગામમાં ગાયો છોડી જતા હોવાના આક્ષેપો કર્યા હતા.