કાશ્મીર હિલ સ્ટેશન પહેલગામ ખાતે રાફ્ટિંગ બોટ અકસ્માતમાં અમદાવાદના દંપતીનું મોત
ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતીઓ વેકેશનમાં ફરવા માટે દેશના વિવિધ હિલ સ્ટેશનોએ જતાં હોય છે ત્યારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાશ્મીર હિલ સ્ટેશન પહેલગામ ખાતે સોમવારે રાફ્ટિંગ બોટ અકસ્માતમાં અમદાવાદના એક દંપતીનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઝડપી ફૂંકાતા પવનને કારણે લદ્દર નદીમાં રાફ્ટિંગ બોટ પલટી ગઈ હતી. બોટ પલટતા આ યુગળનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક મહિલાનો બચાવ થયો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદના એક દંપતીના મૃતદેહોને બચાવ કામગીરી ટીમો દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે મુંબઈની એક મહિલાને બચાવી લેવામાં આવી હતી જેની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. મૃતક દંપતીની ઓળખ પાટિલ શર્મિલાબેન અને તેમના પતિ પેટલ ભીખાભાઈ અંબાલાલ, સૈજાપુરબોઘા, અમદાવાદ ગુજરાતના રહેવાસી તરીકે થઈ છે. મુંબઈ પ્રવાસી જેની હાલત ગંભીર છે અને તેની જીએમસી અનંતનાગમાં સારવાર ચાલી રહી છે તેની ઓળખ પરવીન શેખની પત્ની મુસ્કાન ખાન તરીકે થઈ છે. પોલીસે ઘટનાની નોંધ લીધી છે અને કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : રાજ્યમાં ભેળસેળિયાઓનું પ્રમાણ વધ્યું ! અરવલ્લીમાં નકલી કપાસિયા તેલ બનાવતી કંપની પકડાઇ
ઉલ્લેખનીય છે કે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતીઓ વિવિધ સ્થળોએ ફરવા જતાં હોય છે. હમણાં થોડા દિવસ અગાઉ પણ ભાવનગરના એક પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં ઓમકારેશ્વરમાં બોટ પલટી જતાં મોત થયા હતા ત્યારે કાશ્મીરમાં અમદાવાદના દંપતીને પણ રિવર રાફટિંગમાં અકસ્માત નડતાં બંનેના દુખદ અવસાન થયા હતા.